દેશ અને ગુજરાતનો ખેડૂત કઠણાઈથી પીસાઈ રહ્યો છે તે વાત થી સૌ કોઈવાકેફ છે. આ જ કડીમાં હવે નવી મુંબઇની એપીએમસી માર્કેટમાં ગઇ કાલે માથાડી કામદારોની હડતાલ વિશે વેપારીઓએ અને માર્કેટના સત્તાવાળાઓએ જાણ ન કરતા ઉશ્કેરાયેલા ખેડૂતોએ નાશિક નજીક મુંબઇ-આગ્રા રોડ ઉપર ૫૦ હજાર કિલો શાક રસ્તા પર ફેંકીને રસ્તારોકો આંદોલન કર્યું હતું.
મંગળવારે અને બુધવારે માથાડી કામદારોની હડતાળને લીધે ખેડૂતો જે માલ નવી મુંબઇ એપીએમસીમાં લઇ ગયા હતા એનું વેચાણ નહોતું થઇ શક્યું. આથી નુકસાન થવાને લીધે ઉશ્કેરાયેલા ખેડૂતોએ મુંબઇ- આગ્રા રોડ ઉપર સાત ટ્રકોમાં ભરેલું બધુ જ શાક રસ્તા પર ઢોળી નાખ્યું હતું અને રસ્તા-રોકો આંદોલન શરૂ કર્યું હતું. લગભગ એક કલાક સુધી ચાલેલા આંદોલનને લીધે મુંબઇ-નાશિકનો વાહન વહેવાર ખોરવાઇ ગયો હતો. આખરે પોલીસે દરમિયાનગીરી કરી આંદોલનકારી ખેડૂતોને રસ્તા પરથી હટાવ્યા હતા અને કેટલાયને અટકમાં લીધા પછી છોડી દીધા હતાં.
ખેડૂતોએ એવી ફરિયાદ કરી હતી કે હડતાલ વિશે અમને જાણ કરવામાં ન આવતા અમારે લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડયું હતું. દરમિયાન માથાડીઓએ અને વેપારીઓએ આંદોલન સમેટી લેતા આજથી એપીએમસી માર્કેટનો વહેવાર પૂર્વવત શરૂ થઇ ગયો હતો.