ગુજરાતીઓ ગરમીમાં શેકવા તૈયાર રહેજો: વધશે ગરમીનો પારો, જાણો IMDનું લેટેસ્ટ એલર્ટ

IMD Weather Forecast: આ દિવસોમાં દેશભરમાં હવામાનમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગે હજી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં (IMD Weather Forecast) હીટવેવની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તાપમાનમાં ઘટાડો નોંધાશે તેમ જણાવ્યું છે. દેશની વાત કરીએ તો રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને છેલ્લા બે દિવસથી વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. IMD ના તાજેતરના અપડેટ મુજબ, આગામી ત્રણ દિવસમાં દેશના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીનું મોજું આવવાની શક્યતા છે, જ્યારે ઘણા રાજ્યોમાં કરા અને વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપમાન અંગે કરી આ આગાહી
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી પવનની સ્પીડમાં વધારો થયો છે. જ્યારે આજથી પવનની ગતિમાં ઘટાડો નોંધાશે.આ સાથે તાપમાન અને વાદળની એકસાથે વાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે હજુ એકથી બે દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે. 21મી માર્ચ સુધી તાપમાન ઘટેલું રહેશે. આ ઘટેલા તાપમાનમાં ઉનાળા જેવો જ અનુભવ થશે. તાપમાન ઘટશે પરંતુ તાપમાન 35 ડિગ્રીથી નીચે જાય તેવી શક્યતાઓ નથી. આકરો તાપ જોવા મળશે.

સોમવારે લગભગ 50થી 60 ટકા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે
સામાન્ય રીતે તાપમાન 35થી 37 ડિગ્રી જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન 39 ડિગ્રી પણ પહોંચી શકે છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે પરંતુ હાલ રાજ્યમાં હાઈ લેવલના વાદળા બંધાયા છે. જેથી આપણને જે ઝાપટાંનો ખતરો હતો તેનાથી બચી ગયા છે. આજે આ વાદળો ઘટશે અને 17મી તારીખે ફરીથી વાદળો બંધાશે. સોમવારે લગભગ 50થી 60 ટકા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

22 માર્ચથી 30 માર્ચ દરમિયાન વધુ હીટવેવનો રાઉન્ડ આવશે
21 માર્ચ સુધી તાપમાન 40 ડિગ્રી કરતાં નીચું રહેશે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22 માર્ચથી 30 માર્ચ દરમિયાન વધુ હીટવેવનો એક નવો રાઉન્ડ આવશે અને ઊંચું તાપમાન જોવા મળશે. માર્ચના છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં 43 ડિગ્રી તાપમાન વધારો નોંધાઈ શકે છે.

આગામી સાત દિવસની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે. આવનારા 5 દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે અને તેમાં ઘટતો દર જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, 15થી થી 19 માર્ચના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતાની સ્થિતિ રહેવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિનું નિર્માણ થશે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદ
ઉત્તરાખંડમાં ચારધામ સહિત તમામ શિખરો પર ભારે હિમવર્ષા થઈ હતી. જેના કારણે ગંગોત્રી, બદ્રીનાથ હાઈવે સહિત અનેક માર્ગો બ્લોક થઈ ગયા છે. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને પર્વતોથી મેદાનો સુધી પારામાં ઘટાડો નોંધાયો હતો. પિથોરાગઢમાં હિમવર્ષાને કારણે ચીન સરહદ તરફ જતો લિપુલેખ હાઇવે બંધ થઈ ગયો છે. આ કારણે ચીન સરહદ સાથે સંપર્ક તૂટી ગયો છે. પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાને કારણે રસ્તાઓ બ્લોક થવાને કારણે ગ્રામજનોના જનજીવન પર અસર પડી છે.