Published on Trishul News at 5:25 PM, Mon, 2 October 2023
Last modified on October 2nd, 2023 at 5:25 PM
Navratri Weather Forecast: નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આગામી અઠવાડિયામાં ઓફીશીયલ રીતે રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. જેથી નવરાત્રિ બગડવાની શક્યતા નહિંવત છે, તેવું હવામાન વિભાગનું (navratri weather forecast) કહેવું છે. ઓકટોબરમાં તાપમાન સામાન્યથી 2થી 3 ડિગ્રી વધુ રહી શકે છે. આ વર્ષે ઓકટોબરમાં શહેરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે છે, જે વધીને 38 ડિગ્રી સુધી જઈ શકે છે. જો દર વર્ષની જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય તો છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે, પણ ભારે વરસાદની શક્યતા નહિંવત છે.
અમદાવાદ સહીત ગુજરાતના મોટા ભાગના શહેરોમાં 3 દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રવિવારે 0.5 ડિગ્રીના વધારા સાથે પારો 36 ડિગ્રી પહોંચ્યો છે, જેથી કાળઝાળ ગરમી સાથે ઉકળાટ-બફારાની સ્થિતિ સર્જાઇ હતી. મહત્તમ તાપમાન સરેરાશથી 2 ડિગ્રી અને લઘુતમ 1 ડિગ્રીથી વધુ છે. બે દિવસમ મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી વચ્ચે રહેશે. સોમવારે ઝાપટાં પડી શકે છે. રવિવારે શહેરનું લઘુતમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું. શનિવાર કરતાં મહત્તમમાં 0.5 ડિગ્રીનો વધારો અને લઘુતમમાં 0.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ઉત્તર-પશ્ચિમ દિશાથી 10 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા.
દક્ષિણ ગુજરાતમાં આગામી અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. 7 ઓક્ટોબર આસપાસ રાજ્યમાંથી ચોમાસું સત્તાવાર વિદાય લેશે. જોકે, સિઝનમાં દેશમાં 96 ટકા વરસાદની આગાહી સામે 2થી 4 ટકાની વધઘટ સાથે 94 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં સામાન્ય કે સામાન્ય ઓછા વરસાદની આગાહી હતી. તેની સામે 19 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ઉકાઇ ડેમ ભયજનક 345 ફૂટથી હવે માત્ર 0.24 ફૂટ જ દૂર છે. પાણીની આવક 18261 ક્યુસેક અને જાવક 800 ક્યુસેક કરાઇ છે. છેલ્લા 24 કલાકથી સતત 18261 ક્યુસેકની આવક ચાલુ રહેતાં સપાટીમાં દર 2 કલાકે 0.2 ફૂટનો વધારો થઈ રહ્યો છે. સોમવારે પણ આવક ચાલુ રહે તો ઉકાઇ ડેમ સંપૂર્ણ 345 ફૂટ સુધી ભરાઇ જશે. આ સાથે જ ડેમ સતત 5મા વર્ષે 100 ટકા ભરાશે
29 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં નિમ્ન દબાણ સક્રિય થયું છે. જે ઓડિસા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ જતાં ઉગ્ર બનવાની સંભાવના છે. ઉપરાંત પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં દક્ષિણ કોંકણ-ગોવા કાંઠે બીજું નીચું દબાણ પણ સક્રિય થયું છે, જે પણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી ઉગ્ર બનવાની સંભાવના છે. આ બંને નીચા દબાણ ચક્રવાતમાં પરીણમવાની સંભાવના હાલ દેખાતી નથી. તેની ગુજરાત પર અસર જોવા મળશે નહીં. આ ઉપરાંત ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં 1 જૂનથી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં સરેરાશ વરસાદ 898 મિમી સામે 708 મિમી નોંધાયો હતો. 1 ઓક્ટોબરના રોજ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 26 ડિગ્રી નોંધાયો હતો.
Be the first to comment on "નવરાત્રી પહેલા હવામાન વિભાગની મહતવની આગાહી: જાણો ગરબા રસિકો માટે સારા સમાચાર છે કે ખરાબ?"