રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં આવતીકાલ તા.2 ઓગષ્ટના સવારે 7-30 કલાકે આજી ડેમ પાસે કિશાન ગૌશાળાની બાજુમાં 47 એકર જગ્યામાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ સાથે અર્બન ફોરેસ્ટ પ્રોજેકટનો પ્રારંભ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સેવાસેતુ કાર્યક્રમ સાથે મુખ્યમંત્રી વ્હાલી દિકરી યોજનાનો રાજકોટથી પુરા રાજય માટે પ્રારંભ કરાવશે તેમ આજે માહિતી આપતા મેયર બિનાબેન આચાર્ય, સ્ટે.ચેરમેન ઉદય કાનગડ, કમિશ્ર્નર બંછાનિધિ પાની, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
આ યોજના હેઠળ દિકરીને આર્થિક લાભો મળે છે. જન્મ લેનાર દિકરી ધો.1માં પ્રવેશે ત્યારે રૂા.4 હજાર, ધો.8માં પ્રવેશ મેળવે ત્યારે રૂા.6 હજાર, દિકરી 18 વર્ષ પૂરા કરે ત્યારે રૂા.1 લાખ એમ કુલ મળીને રૂા.1.10 લાખની રકમ મળવાની છે. રાજયમાં દિકરીને જન્મ દરને સુધારવા અને શિક્ષણમાં વધારો કરવા સરકારે 2019-20ના બજેટમાં આ યોજના મંજુર કરી હતી. શિક્ષણમાં ડ્રોપઆઉટ ઘટાડવાથી માંડી બાળલગ્ન રોકવા સહિતનો હેતુ છે.
તા.2-8-19 કે ત્યાર બાદ જન્મેલી દિકરીઓને આ યોજનાનો લાભ મળશે. પરિવારમાં વધુમાં વધુ બે દિકરીને મળનારા લાભ બાદ દંપતિએ સંતતી નિયમનનું ઓપરેશન પણ કરાવેલું હોવું જોઈએ. પ્રથમ દિકરો અને દ્વિતીય દિકરી હોય તો બીજી દિકરીને સહાય મળશે. આ સહિતના નિયમો હેઠળ લાભ અપાશે. પરીવારની વાર્ષિક આવક રૂા.2 લાખથી ઓછી હોય તે અનિવાર્ય છે. આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત, જિલ્લા કચેરીઓમાં અરજી કરી શકાશે.
સરકારે જન્મથી માંડી મૃત્યુ સુધીની યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજનાઓના લાભ આવતીકાલના કેમ્પમાં મળવાના છે. રોજગારી, ગ્રાન્ટ, દાખલાથી માંડી ડસ્ટબીનના વિતરણ પણ કાલના કેમ્પમાં કરાશે. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ફાય.બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા પ્રભારી અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, ભાનુબેન બાબરીયા, ડે. મેયર અશ્ર્વિન મોલીયા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, શાસક નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, હાઉસીંગ ચેરમેન જયાબેન ડાંગર અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહેશે.
શુક્રવારે સવારે 7-30 કલાકે પહેલા કિશાન ગૌશાળાની બાજુમાં અને બાદમાં 9-30 કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.