અમદાવાદમાં મોટા ઉપાડે શરૂ કરેલી ડબલ ડેકર બસ અંગે મોટા સમાચાર: 7 માંથી 3 રુટ પર બંધ કરવામાં આવ્યાં

Ahemdabad Double-decker Bus: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે ગત વર્ષે મોટા ઉપાડે ડબલ-ડેકર બસો શરૂ કરી હતી. સત્તાધીશોએ શહેરના વધુ પેસેન્જરવાળા (Ahemdabad Double-decker Bus) સાતમાંથી ત્રણ રૂટ પર દોડતી ડબલ-ડેકર બસો મુસાફરોના અભાવ હોવાના કારણે બંધ કરી દીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

ડબલ-ડેકર બસો બંધ કરવાનો નિર્ણય
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડબલ-ડેકર બસો બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેનું કારણ મુસાફરોનો અભાવ હોવાનું સામે આવ્યું છે. 32 વર્ષ બાદ ડબલ ડેકર બસો દોડતી થઈ હતી. મુસાફરોના અભાવથી ખર્ચ સામે આવકમાં ઘટાડો થતાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. દર વર્ષે કરોડો રૂપિયાના નુકસાનનો સામનો કરી રહેલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે એક વર્ષ પહેલા ડબલ-ડેકર બસો શરૂ કરી હતી, ત્યારે અધિકારીઓએ મુસાફરોને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે એસી ડબલ-ડેકર બસો શરૂ કરવાનો દાવો કર્યો હતો.

AMTS નિષ્ફળ ગઈ
પરંતુ અણઘડ આયોજન સાથે શરૂ કરેલી ડબલ-ડેકર બસોના વિવિધ રૂટ ઇસનપુરથી રાણીપ, ઘુમા ગામથી લાલ દરવાજા અને ત્રણ રૂટ – લાલ દરવાજાથી વસ્ત્રાલ સુધીના રૂટ બંધ કરી દેવાયા છે. શહેરના લોકોને જ આકર્ષવામાં AMTS નિષ્ફળ ગઈ છે.

ત્રણ રૂટ ઉપર ખોટ ખાઇને બંધ કરી
સૂત્રોએ કહ્યું કે, વસ્ત્રાલથી લાલદરવાજા, હાથીજણથી ઘુમા, શીલજથી લાલદરવાજા, સારંગપુરથી સિંગરવા ગામ, ઇસનપુરથી રાણીપ, વાસણાથી ચાંદખેડા તથા નરોડાથી લાંભા ક્રોસ રોડ એમ સાત રૂટ ઉપર ઇલે. ડબલ ડેકર બસ દોડાવાતી હતી. પરંતુ તેમાં વસ્ત્રાલથી લાલદરવાજા, હાથીજણથી ઘુમા અને ઇસનપુરથી રાણીપ રૂટ ઉપર દોડતી ઇલે. ડબલ ડેકરની ખોટ દિવસે દિવસે વધવા માંડી હતી.

તેના પગલે એએમટીએસનાં સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા અને ખોટ કરતાં રૂટ ઉપર ઇલે. ડબલ ડેકર બસ બંધ કરવાનો નિર્ણય ચૂપચાપ લઇ લીધો હતો. તેમજ આ રૂટ ઉપરની ઇલે. ડબલ ડેકર બસને વાસણા-ચાંદખેડા, લાલદરવાજા-શીલજ, સારંગપુરથી સિંગરવા અને નરોડાથી લાંભા ક્રોસ રોડ ઉપરનાં રૂટ ઉપર મુકી દેવાઇ હોવાનુ જાણ‌વા મળ્યુ છે.