મા જગદંબા આદ્યશક્તિના નવમા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહેવાય છે. તેઓ સર્વે સિદ્ધિ આપનારાં છે. માર્કન્ડેય પુરાણ અનુસાર આઠ સિદ્ધિનાં નામ આ મુજબ છે. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ.
બર્હ્મવૈવર્તપુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સિદ્ધિની સંખ્યા અઢારની બતાવાઈ છે, જે આ મુજબ છે. અણિમા, મહિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, સર્વકામાવસાયિતા, સર્વજ્ઞત્વ, દૂરશ્રવણ, પરકાયપ્રવેશન, વાકસિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારકરણસામર્થ્ય, અમરત્વ, સર્વન્યાયકત્વ, ભાવના અને અઢારમી સિદ્ધિ.
મા સિદ્ધિદાત્રી આ તમામ સિદ્ધિઓ આપવા સમર્થ છે. કહેવાય છે કે, ભગવાન શિવને તમામ સિદ્ધિઓ તેમને જ પ્રદાન કરી હતી. તેમની અનુકંપાથી જ શિવ અર્ધનારેશ્વર બન્યાં હતાં. મા સિદ્ધિદાત્રી ચતુર્ભુજ છે. તેમણે શંખચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યાં છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે અને સિંહ પર સવાર થાય છે.
દુર્ગા સપ્તસતીના અગિયારમા અધ્યાયમાં દેવતાઓને વરદાન અને સિદ્ધિ તથા તેરમા અધ્યાયમાં રાજા સુરથને અને સમાધિ નામના વૈશ્યને અનેક પ્રકારના વરદાન તમામ પ્રકારના ભોગ અને ઈચ્છા મુજબનો મોક્ષ પ્રદાન કરે છે. આ રીતે મા જગદંબા આદ્યશક્તિએ તેમનું સિદ્ધિદાત્રી નામ સાર્થક કરી બતાવ્યું છે.
આ રીતે માનવ ઉપાસક અને યોગી નવમા નોરતે મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરે છે અને તેનું મન નિર્વાણ ચક્રમાં સ્થિર કરે છે. નવમા દિવસે આ ઉપાસના કર્યા પછી ભક્ત એવી પરિસ્થિતિમાં આવે છે કે, તેને કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ રહેતી નથી અને માના દિવ્યલોકમાં નિત્ય વિચરણ કરે છે, જેમ કે રાજા સુરથ અને સમાધિ વૈશ્ય.
આ રીતે નવદુર્ગાની ઉપાસના સાધક ભક્ત અને માનવને સંસારની અસારતાનો બોધ કરાવીને દિવ્ય પરમ શાંતિદાયક અમૃતપદ તરફ લઈ જાય છે.
સિદ્ધિદાત્રી ઉપાસના મંત્ર: ૐ સિદ્ધિદાત્રીયૈ નમઃ।
તો આવો, માત્ર નવરાત્રિ પૂરતી સીમિત ન રાખો, કાયમ નવદુર્ગાની ઉપાસનાને જીવનમંત્ર બનાવીને આલોક અને પરલોકના સુખ પ્રાપ્ત કરી મોક્ષના અધિકારી બનીએ. જય મા જગદંબા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.