કોવિડ હોસ્પિટલની બેદરકારી: સારવાર માટે કલાકથી રઝળી રહેલા કોરોના સંક્રમિત દર્દીનું કારમાં જ થયું મોત 

કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થતો જોવા મળ્યો છે. જો કોઈને પણ કોરોના આવ્યો હોય અને હોસ્પિટલમાં દાખલ થયા હોય તો, ઘરે પાછા આવવાની સંભાવના હાલ ખુબ જ ઘટી ગઈ છે. કારણ કે, કોરોના મહામારી ગયા વર્ષ કરતા પણ આ વર્ષે બેગણી વધારે વકરી છે.

આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાંથી કોરોના મહામારીની એક એવી વાસ્તવિકતા સામે આવી છે. જેમાં સારવાર માટે જગ્યા ન હોવાને કારણે અને સારવાર સમયસર ન મળવાને કારણે પાલનપુરની બનાસ કોવિડ હૉસ્પિટલની બહાર એક કલાકથી ખાનગી ગાડીમાં રજળી રહેલા કોરોના સંક્રમિત દર્દીનું આખરે મોત થયું હતું. પરિવારનો આક્ષેપ છે કે, બનાસ મેડીકલ કોલેજના ડોક્ટરોની ગંભીર બેદરકારીના કારણે દર્દીનું મોત થતાં તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

બનાસકાંઠાની પાલનપુર હોસ્પિટલ આગળ સારવારના અભાવે એક કોરોનાના દર્દીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચંડીસર ગામના એક વ્યક્તિને મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી આજે સવારે તેમની તપાસ કરાવતા કોરોના થયો હોવાનું જાણવા મળ્યું હતું તેથી તેમના પરિવારજનો તેમને પાલનપુરની બનાસ કોવિડ હૉસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા.

પરંતુ આ હૉસ્પિટલ પહેલાથી જ હાઉસફુલ હતી. જેથી હૉસ્પિટલમાં હાજર રહેલા ડોકટરોએ તેમને દાખલ કરવાની ના પાડી હતી. આ દરમિયાન દર્દીની હાલત ખુબ ગંભીર હોવાના કારણે તેના પરિવારજનોએ હાજર રહેલા તબીબોને તેમની પ્રાથમિક સારવાર કરવા માટે પણ ખૂબ જ આજીજી કરી હતી.

તેમ છતાં સતત એક કલાક સુધી રજૂઆત કર્યા બાદ પણ તબીબોએ કોરોનાગ્રસ્ત દર્દીની દરકાર સુધ્ધા લીધી ન હતી. જેના કારણે જે ખાનગી ગાડીમાં દર્દીને લઇને આવ્યા હતા. તે જ ગાડીમાં એક કલાક સુધી સારવાર ન મળતા આખરે દર્દીએ સ્વાસ છોડ્યો હતો. દર્દીનું મોત થતા જ મૃતકના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

મૃતક દર્દીના સગાએ જણાવ્યું કે, અમારા દર્દી એક કલાકથી ગાડીમાંને ગાડીમાં જ છે. આ સિવિલ હૉસ્પિટલનાં ડોક્ટરોએ બહાર આવીને તેમને તપાસ પણ નથી કરી. હવે અમારે ક્યાં જવાનું? સિવિલમાં જ આવો જવાબ આપે તો અમારે શું કરવું? અમારે તો અમારા સગાથી હાથ ધોવાનો વારો આવ્યો. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, કોરોના મામલે હવે બનાસકાંઠા જિલ્લાની હાલત પણ ધીમે ધીમે કથળી રહી છે.

હાલ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં બનાસ કોવિડ હૉસ્પિટલમાં 126 બેડ અને ડીસાની જનતા હૉસ્પિટલમાં 50 બેડની સુવિધા છે. પરંતુ અત્યારે બનાસ કોવિડ હૉસ્પિટલમાં 126ની જગ્યાએ 145થી પણ વધુ દર્દીઓ દાખલ છે અને વેન્ટિલેટર, ઓક્સિજન અને રેમડેસીવર ઇન્જેક્શનની પણ ભારે અછત છે. આ દરમિયાન દર્દીઓને સારવાર કઈ રીતે આપવી તે એક મોટો સવાલ ઉભો થાય છે.

આ મામલે બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, દર્દી આવ્યા ત્યારે 90 ટકા લન્ગ્સ કામ ન હતા કરતા. તેઓ કોરોના અસરગ્રસ્ત હતા, અત્યારે હૉસ્પિટલમાં જગ્યા નથી જેથી દર્દીને બીજી હૉસ્લપિટલમાં લઈ  જવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેના સગા વ્હાલા દર્દીને અન્ય હૉસ્પિટલમાં ન લઇ ગયા જેથી તેનું મોત થયું હતું.

છેલ્લા પંદર દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના દર્દીઓની સંખ્યા ખુબ વધી રહી છે અને જિલ્લા કલેકટર તેમજ આરોગ્ય વિભાગ રોજેરોજ બેઠક યોજી આરોગ્ય કોરોનાના દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે વિચારણા કરે છે. તેમ છતાં આરોગ્યની સુવિધા સુધારવાને બદલે કથળી રહી છે. આ દરમિયાન આજની પરિસ્થિતિ બાદ હવે તંત્ર કંઈક શીખ મેળવી કોરોનાના દર્દીઓ માટે સુવિધા વધારશે કે પછી જેવી હાલત છે તેવી જ રહેશે તે જોવું રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *