સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર સુરતમાં એક અકસ્માતની ઘટના સર્જાવા પામી છે. જેમાં ઉધના-મગદલ્લા રોડ પર બ્રેક ડાઉન ટ્રકની પાછળ ઓઇલ ભરેલું ટેન્કરનો ચાલક ધડાકાભેર ઘૂસી જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ, સોમવારે અડધી રાતે બનેલી ઘટના બાદ બાઇક સવાર બે મિત્રોએ દોડીને અકસ્માતની ગંભીરતા જોઈ કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બચાવવા ફાયરને જાણ કરી હતી. લગભગ એક કલાકની મહેનત બાદ ફાયરના જવાનો દ્વારા કેબિન કાપી સ્ટિયરિંગમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી સ્મીમેર હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે સોહેબ મન્સૂરીએ જણાવ્યું હતું કે, અમે તો બાઇક પર મિત્ર સોહેલ સાથે સાપુતારાનો પ્રવાસ પર નીકળ્યા હતા. મગદલ્લા બ્રિજ પર ટ્રાફિકજામ જોઈ જેમ તેમ બાઇક અકસ્માત ઝોન સુધી લઈ ગયા હતા. આ તમામ વાહન ચાલકો અકસ્માતમાં ડ્રાઇવર કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરની બચાવો બચાવોની બૂમ સાંભળી નીકળી જતા હતા. માનવતાના ધોરણે ડ્રાઇવરને મદદની જરૂર હતી. અમે મદદનો પ્રયાસ કર્યો પરતું, ડ્રાઇવરને બહાર કાઢી શક્યા નહી એટલે તાત્કાલિક ફાયરને જાણ કરતા ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનો દોડી આવ્યા અને કેબિન કાપી ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો.
પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, કોલ લગભગ રાત્રે 1:20 વાગ્યાનો હતો. જાણવા મળ્યું છે કે, ટ્રક પાછળ ઓઇલ ટેન્કર ઘૂસી ગયું હતું અને ડ્રાઇવર કેબિનમાં એક ફસાઈ ગયો હતો. દોડીને ઘટના સ્થળે ગયા તો ટેન્કર ખૂબ જ ખરાબ રીતે ટ્રક પાછળ ઘૂસી ગયું હતું. કેબિન તો ચપ્પડ થઈ ગયું હતું. તાત્કાલિક ટેન્કરને ટો કરી પાછળ ખેંચીને કેબિન કાપ્યું અને સ્ટિયરિંગમાં ફસાયેલા ડ્રાઇવર સુનિલ લોકનાથ યાદવને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ અને લોકોની મદદથી સુનીલને 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માત ગંભીર હતો. કોલસો ભરેલી ટ્રક બ્રેક ડાઉન બાદ રોડ બાજુએ ઉભી હતી. ઓઇલ ટેન્કર પાછળથી ઘૂસી જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. લોકોની ભીડમાંથી માહિતી મળતા પોલીસ દોડી ગઈ હતી. કેબિનમાંથી ડ્રાઇવરને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા બાદ ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.