ઘરના આંગણામાં રમતા એકના એક બાળકને કચરાવાળાની ગાડીએ કચડી નાખ્યો, માતા-પિતાનું હૈયાફાટ રુદન

મુખ્યમંત્રી રૂપાણીનું શહેર એવા રાજકોટના જેતપુરમાં થી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેતપુર નગપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતી વાને ઘરની બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખ્યો. લોહીલુહાણ હાલતમાં માતા-પિતા સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજતાં પિતાએ છાતી પર હાથ પછાડ્યા અને માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. માતા-પિતાના આ રુદનથી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઇ હતી. હસતી રમતી જિંદગી છીનવાતાં માતા-પિતા ઘેરા આઘાતમાં સરી પડ્યાં છે. એકના એક પુત્રના મોતથી પરિવારજનો પણ આઘાત અનુભવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ, જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે જામનગરની એક કંપનીને કોન્ટ્રેક્ટ આપ્યો છે. આજે શહેરના ખોડિયારનગર 1માં આ કંપનીના ડોર ટુ ડોર કચરો લેવા આવતાં વાહનના ડ્રાઈવરે બેફિકરાઈથી વાહન ચલાવતાં ઉત્તરપ્રદેશથી રોજીરોટી રળવા આવેલા વિકાસભાઈ રાડાના એકના એક ચાર વર્ષના પુત્ર આરવને કચડી નાખ્યો હતો, આથી તેને તાત્કાલિક સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. તક જોઇને ટીપરવાનચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.

એકના એક પુત્રનું આવું આકસ્મિક અવસાન થતાં પરિવાર પર આભ ફાટ્યું છે. આ ઘટનાથી માતા-પિતાનો આક્રંદથી હોસ્પિટલમાં ભલભલાની આંખો ભીંજાઈ ગઈ હતી. આ વિસ્તારના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અનેક વખત નગરપાલિકા પાસે સ્પીડબ્રેકર બનાવવાની માગણી કરી હતી છતાં આ પ્રશ્ને નગરપાલિકાએ ક્યારેય ધ્યાન આપ્યું નથી. બેફિકરાઈથી વાહન ચલાવતાં માસૂમ આરવને મોતના મુખમાં ધકેલનાર આ ડ્રાઇવર દરરોજ હાઈસ્પીડથી જ વાહન ચલાવતો હતો. આ વિસ્તારના લોકોએ અકનેવાર ઠપકો પણ આપ્યો હતો છતાં પોતાની મનમાની કરાનારા આ ચાલકે એક હસતી રમતી જિંદગીને હતી નહોતી કરી નાખી.

જેતપુર નગરપાલિકાના જવાબદારો કોન્ટ્રેક્ટ આપી દઈ આરામ ફરમાવે છે, પણ એની શરતોનું પાલન થાય છે કે કેમ એ જોતાં તો નથી તેવો લોકોએ આક્ષેપ કર્યો છે. આ અંગેની ફરિયાદોને પણ ગણકારતા નથી. આ કોન્ટ્રેક્ટ અન્વયે રાખવામાં આવેલા ટ્રેક્ટરોના પાટિયા બંધ કરવાની પીનો પણ ન હોવાથી કપડાથી બાંધવામાં આવે છે. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય છતાં પદાધિકારીઓ કે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. માસૂમ આરવના નિષ્પ્રાણ શરીરને પોતાના ખોળામાંથી અળગો ન કરતાં માતા-પિતાને કોણ સમજાવે કે હવે લાડલો આરવ આ દુનિયામાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *