#CycloneTauktae તૌક્તે નું તાંડવ- એક જ ક્લિક પર જાણો ગુજરાતના તમામ જીલ્લાઓમાં થયેલ નુકસાન અને અસરની વિગતો

#CycloneTauktae ગઈકાલે રાત્રે દીવ થી થોડે દુર ગુજરાતની જમીન પર ત્રાટકેલું તૌક્તે વાવાઝોડું પોતાના વિકરાળ સ્વરૂપથી નુકસાની વેરી રહ્યું છે. આ વાવાઝોડું દીવથી 10 કિલોમીટર દૂર ટકરાયું. વાવાઝોડાનું કેન્દ્ર દીવથી 35 કિલોમીટર ઇસ્ટ-સાઉથ ઇસ્ટમાં છે.

વાવાઝોડું તૌકટે એ પ્રમાણમાં ઓછો વિનાશ વેર્યો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે ગાજ્યું એટલું વરસ્યું ન હોવાનું કહેવાઈ રહ્યું છે. સરકારની જડબેસલાક વ્યવસ્થા, લોકોનો આત્મવિશ્વાસ વધ્યો હોવાનું દેખાઈ રહ્યું છે.  લોકો મોટે ભાગે ઘરોમાં જ રહ્યા હોઇ જ્યારે વાવાઝોડાની આઇ ત્રાટકી ત્યારે નુકસાન નિવારી શકાયું. સૌરાષ્ટ્રના સાગર કિનારાના મહુવાથી પીપાવાવ – જાફરાબાદ – રાજુલા – ઉના – દીવ – કોડીનાર વેરાવળ – સોમનાથ સુધીના દરિયાઇપટ્ટામાં જ વધુ અસર. પવનની ઝડપ વધુમાં વધુ 150 કિમી – પ્રતિકલાક જાફરાબાદ – રાજુલા – ઉના – દીવ પંથકમાં જણાઇ. આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વૃક્ષો તૂટી પડ્યાં છે. કાચાં મકાનોને નુકસાન થયું છે. બાકી મોટી કોઇ ખુવારી કે નુકસાન થયું નથી. રાજુલામાં ૧૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો. વેરાવળ દીવ હાઇવે બ્લોક થયા. સેનાના જવાનો પડી ગયેલા વૃક્ષો હટાવીને હાઇવે ખુલ્લો કર્યાં.

તૌક્તે વાવાઝોડાએ લક્ષદ્વીપની દક્ષિણ દિશામાં વિકસિત થવાથી લઇ ગુજરાતની પાસે દીવના દરિયાકિનારે ટકરાવા સુધીમાં અંદાજે 1200 કિલોમીટરનું અંતર કાપ્યું. છેલ્લાં બે દાયકામાં અરબ સાગરમાં ઉદભવેલા કોઇપણ વાવાઝોડાએ આટલું મોટું અંતર કાપ્યું નથી. તૌક્તે વાવાઝોડાએ આ અંતર 7 દિવસમાં કાપ્યું અને પશ્ચિમી તટના તમામ 5 રાજ્યો અને 2 આઇલેન્ડમાં ભયંકર તબાહી મચાવી.

સૌરાષ્ટ્રમાં વ્યાપક અસર:
ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર માં વધુ અસર દેખાવાની શરૂઆત થઇ હતી જ્યારે ગુજરાતના તમામ દરિયાકાંઠાના શહેરોમાં પણ આ અસર સાંજે સાત વાગ્યા થી દેખાવાની શરુ થઇ હતી. રાત્રે ૧ વાગ્યા આસપાસ સૌરાષ્ટ્રના દરિયા પટ્ટામાં આવેલા જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદ સાથે તૌક્તે એ પોતાનું વિકરાળ રૂપ દેખાડ્યું હતું. 

હવામાન વિભાગની આગાહી મુજબ સાયકલોન આગળ વધી રહ્યું છે તે મુજબ અમરેલી, રાજકોટ, બોટાદ, જુનાગઢ , મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા વગેરે જિલ્લાઓનો સમાવેશ થાય છે. તથા જેમ જેમ હવામાન ખાતા દ્વારા નવી આગાહી કરવામાં આવશે એમ જાણકરી આપવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં ક્યાં કેવું થયું નુકસાન?:
ત્રિશુલ ન્યુઝ પાસે મળતી માહિતી અનુસાર મોડી રાતે જ દરિયાઈ પટ્ટાની નજીકના વિસ્તારોમાં આવેલા ઘણા પેટ્રોલ પંપના છાપરા અને સીલીંગ ઉડ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પત્રકાર માધ્યમોથી મળતી માહિતી અનુસાર 4231 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 1958 ગામોમાં ખોરવાયેલ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો, જયારે રાજ્યના 2273 ગામડાઓમા હજુ પણ વીજ પુરવઠો બંધ, 3502 ગામડાઓમાં ફીડર, 1077 વીજ પોલ અને 25 ટ્રાસમીટર બંધ થયા છે. આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે. જૂનાગઢમાં ૧ ઇંચ, બગસરામાં 8 ઇંચ પાલીતાણામાં 6 ઇંચ ગઢડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.પાલિતાણામાં સવાર સુધીમાં 6 ઈંચ વરસાદ, મહુવામાં રાત્રી દરમિયાન કુલ 5 ઈંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે. રાજકોટમાં પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો મળ્યા છે.

ભાવનગરમાં તૌકતે વાવાઝોડાથી 2 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. પાલીતાણાના નવા ગામના બાડેલીની ઘટના, મકાનની છત પડતા પિતા-પુત્રીના મૃત્યુ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

દક્ષીણ ગુજરાતમાં પણ અસર:
તાપી જિલ્લા ના કેટલાક તાલુકા માં વાવાઝોડા ની અસર ને પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન હળવો વરસાદ પડ્યો. 24 કલાક ના આંકડા જોઈએ તો વાલોડમાં 3 mm સોનગઢમાં 4 mm, નિઝરમાં 1 mm, કુકરમુંડામાં 2 mm વરસાદ નોંધાયો છે.

નવસારી જીલ્લામાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવી, ચીખલી, જલાલપોર તાલુકામાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નવસારી જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઓજલ માછીવાડ ગામમાં ભારે પવનથી વૃક્ષો ધરાશાઈ થયા NDRF ની ટીમે તાત્કાલિક ગામ પહોંચી કટરથી મશીન વડે ઝાડ ને દૂર કર્યું હતું. નવસારી જિલ્લાના દરિયાઈ કાંઠે NDRF ની રાઉન્ડથી ક્લોક રેકી કરી રહ્યું છે.

નવસારી જીલ્લામાં આજે સવારે પણ વાવાઝોડાની અસર વ્યાપક જોવા મળી છે. વાપીમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. અહી 40 થી 50 ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક ઘરો તથા દુકાનોના પતરા તૂટીને ઉડ્યા છે, તો વૃક્ષો જમીનમાંથી ઉખડી ગયા છે. વાપીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડુલ થઈ છે. વરસાદની વાત કરીએ તો ઉમરગામ 7.51 ઈંચ, કપરાડા 07 મીમી, ધરમપુર 10 મીમી, વાપી 17 મીમી, પારડી 1.56 ઇંચ, વલસાડ 2 ઇંચ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 3700 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. ભરૂચ જિલ્લામાં રાત્રી દરમિયાન 62 MM વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 29 MM વરસાદ નોંધાયો છે. ભરૂચ, વાગરા, અંકલેશ્વર, જંબુસર, આમોદમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. આ કારણે દહેજ બંદરે 9 નંબરનું સિગ્નલ યથાવત છે.

સુરત જીલ્લા અને શહેરમાં પણ ગઈકાલથી વરસાદ શરુ છે. પવનનો વેગ સૌરાષ્ટ્ર કરતા ઓછો નોંધાયો છે. કામરેજમાં એક મકાન ધરાશાયી થતા આધેડનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *