અમદાવાદના SG હાઇવે પર લોખંડની પાઇપ ભરેલી ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતાં એકનું મોત

Ahemdabad Accident: અમદાવાદના એસ.જી. હાઇવે પર ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એસ.જી. હાઈવે પર વાયએમસીએ ચોકડી નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત (Ahemdabad Accident) સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું
મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને શંકા છે કે ડમ્પરની બ્રેક ફેલ થઈ ગઈ હશે, જેના કારણે ડમ્પર ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતના લીધે થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.

એક વ્યક્તિનું મોત
વહેલી સવારે બનેલા અકસ્માત બાદ પણ એસજી હાઇવે પર લોકો ભેગા થવા લાગ્યા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. આ સમગ્ર બનાવ બાદ ટ્રાફિક પોલીસની ટીમ પણ બનાવના સ્થળે પહોંચી હતી અને અન્ય ટ્રાફિક માટેની પ્રક્રિયા હાથ ધરી હતી

અમદાવાદમાં સૌથી વધુ અકસ્માત સર્જાય છે
અમદાવાદમાં વાહન અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024 અમદાવાદમાંથી જ 20,159 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી હતી. ગત વર્ષની સરખામણીએ વાહન અકસ્માતથી ઈજાના પ્રમાણમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે.