ભચાઉના વોન્ધ હાઈવે પર બંધ ટ્રક પાછળ ટ્રેલર ઘૂસી જતા એકનું મોત

Kutch Accident: ભચાઉ થી સામખિયાળી વચ્ચે હાઇવે પર કોઇ પણ સિગ્નલ રાખ્યા વગર આડેધડ કરાતા પાર્કિંગ તેમજ બેફામ ગતિથી થતા વાહન વ્યવહારને કારણે વારંવાર જીવલેણ અકસ્માતોની (Kutch Accident) ઘટનાઓ સામે આવતી રહે છે, તેની વચ્ચે સોમવારે વહેલી સવારે મોરબી તરફ જતું ટ્રેઇલર વોંધ પાસે ઉભેલા ટ્રકમાં અથડાઇ જતાં ગંભીર ઇજાઓને કારણે ટ્રેઇલર ચાલકનું મોત નિપજ્યું હોવાની જીવલેણ અકસ્માતની ઘટના નોંધાઇ છે.

કેબીનનો કડુસલો બોલી ગયો
ભચાઉ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, આ જીવલેણ અકસ્માતની ઘટના વહેલી સવારે બની હતી જેમાં મોરબી તરફ જઇ રહેલું ટ્રેઇલર વોંધ પાસે માર્ગ પર ઉભેલી ટ્રકમાં ધડાકાભેર અથડાતાં ટ્રેઇલરની કેબીનનો કડુસલો બોલી ગયો હતો અને ટ્રેલર ચાલક અંદર દબાઇ ગયો હતો.

કમકમાટીભર્યું એક વ્યક્તિનું મોત
આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા મૂળ ઉત્તર પ્રદેશના રામદયાલ મેબુલાલ ચૌહાણનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ટ્રેલર એટલી સ્પીડમાં હતું કે, અકસ્માતમાં ટેલરની કેબિન ચગદાઈ ગઈ હતી. જેમાં ટ્રેલરનો ચાલક સીટ નીચેના એન્જિનમાં ફસાઈ ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગની ટીમે ચાલકને એન્જિનમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ચાલકનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું.

લાશને પીએમ અર્થે લઇ જવામાં આવી
આ અકસ્માત બાદ ક્રેનની મદદથી અંદર દબાયેલા ચાલકને બહાર કઢાયો હતો. સારવાર અર્થે લઇ જવા માટે 108ની ટીમ પણ પહો઼ચી હતી. પરંતુ ગંભીર ઇજાઓને કારણે યુપીના ટ્રેઇલર ચાલક રામદયાલ મેબુલાલ ચાઉહાણનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો.