ગુજરાતમાં નકલીની લાઈનમાં વધુ એક ફ્રોડ પકડાયો: જાણો કયા સાંસદના નામે ઉઘરાવી હજારોની રકમ…

Fake MP in Gujarat: ગુજરાતમાં નકલી ચીજ વસ્તુઓની સાથે સાથે જ સીઆઇડી ઓફિસર, સેન્ટ્રલ એજન્સીનો અધિકારી, નકલી સરકારી અધિકારી સહિત હવે તો નકલી સાંસદ જ મળી આવ્યા છે. આ કિસ્સામાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે નકલી સાંસદે (Fake MP in Gujarat) રૂપિયા માંગ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને આ અંગે અમદાવાદના શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

વિનોદ ચાવડા બોલું તેમ કહીને 15 હજાર માંગ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છના અંજારમાં વરસામેડી રોડ પર આવેલ રિવેરા એલીગન્સમાં રહેનારા મોહિત પ્રભાકરને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેમાં પોતે વિનોદ ચાવડા બોલે છે એમ કહીને ગણપતિ સ્થાપના માટે 15 હજાર મોકલવા કહ્યું હતું. આ પૈસા લેવા માટે બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપી હતી. જે બેંક એકાઉન્ટમાં ફરિયાદીએ 15 હજાર ટ્રાન્સફર કર્યા હતા.

આ અંગે કરવામાં આવી ફરિયાદ
બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તેને કોઇ સાંસદ પૈસા માંગે નહીં તેવી શંકા ઉપજતા તપાસ કરતા મોબાઈલ નંબર અમદાવાદના રિતેશ જોષી નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. જેના વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

નકલીએ તો હદ કરી!
ભૂતિયા ટોલનાકા, ભૂતિયા શિક્ષકો, PMO અને CMOના નકલી અધિકારીઓ, અને હવે નકલી સાંસદ બની ઉઘરાણા કરવામાં આવે છે. હવે ભવિષ્યમાં નકલી મુખ્યમંત્રી ના બની જાય તે જોવું પડશે. રાજ્યમાં ઠેર-ઠેર નકલી-નકલી જોવા મળી રહ્યું છે.

ત્યારે આ અંગે પોલીસે જણાવ્યું છે કે, આરોપી સામે અગાઉ પણ આવી ત્રણેક ફરિયાદ થઈ છે. તેણે સાંસદના નામે કોરોના કાળમાં રેશન કિટોના નામે તેમ જ અન્ય સંદર્ભમાં ફોન કરીને રૂપિયા પડાવ્યા હતા.