સુરતમાં મગદલ્લા બ્રિજ ઉપર ટ્રક પલ્ટી જતાં એકનું મોત; જાણો સમગ્ર ઘટના

Surat Accident: સુરતમાં માર્ગ અકસ્માતમાં બે બનાવમાં મગદલ્લા ઓ.એન.જી.સી બ્રીજ નજીકના રોડ ઉપર રવિવારે મોડી રાત્રે કોલસાના પાવડર ભરેલી ટ્રક પલ્ટી થતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકમાં દબાઈ જતા ડ્રાઇવરનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતું. બીજા બનાવમાં (Surat Accident) પુણા કેનાલ રોડ બાઇક લઇને ઉભેલા યુવાનને ટ્રકે અડફેટે લેતા મોતને ભેટયો હતો.

ટ્રક નીચે દબાઇ જતા ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત
ફાયર બિગ્રેડ અને સિવિલથી મળેલી વિગત મુજબ પલસાણામાં વરેલીગામમાં ક્રિષ્ના પેલેસ પાસે રહેતો 29 વર્ષીય કમલેશ દયાશંકર યાદવ રવિવારે મોડી રાત્રે ટ્રકમાં ઝીંણી કોલસી ભરીને હજીરા રોડ તરફ જવા નીકળ્યો હતો. તે સમયે મગદલ્લા – ઓ.એન.જી.સી તરફ જતા રોડ બ્રીજ નજીકના રોડ પર ટ્રક પલ્ટીને રોડ નીચે ઉતરીને બાજુમાં ઝાડી ઝાંંખરીમાં ધસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક નીચે દબાઇ જતા ડ્રાઇવરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતું.

પોલીસે તપાસ હાથ ધરી
આ અંગે જાણ થતા નોટીફાઇડના ફાયરજવાનો, પોલીસ 108 એમ્બ્યુલન્સ ત્યાં ધસી ગયા હતા. બાદમાં તેને ટ્રક નીચે તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયરજવાનો ત્યાં પહોચીને સર્ચ કામગીરી કરવામાં આવી કે ડ્રાઇવર સાથે કેબિનમાં કલીનર કે અન્ય કોઇ વ્યકિત હતુ કે નહી ? જોકે ટ્રકની કેબીન, ઝાડી ઝાંખરી તપાસ કરતા ત્યાં અન્ય કોઈ વ્યક્તિ મળ્યુ નહી, જયારે પોલીસ દ્વારા ટ્રકના રજીસ્ટ્રેશન નંબરના આધારે માલિકનો સંપર્ક કરીને પૂછપરછ કરતા ટ્રકમા એકલો ડ્રાઇવર જ હતો. આ અંગે ઉમરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રકે અડફેટે લેતા યુવકનું મોત
બીજા બનાવમાં સીમાડામાં બી.આર.ટી.એસ રોડ પર સિતારામ ચોક પાસે રહેતો 35 વર્ષીય દિપક ચીમન ગજેરા ગત રાતે રીંગરોડ ખાતે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરેને બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો. બાદમાં તે પુણા કેનાલ રોડ પરમ હોસ્પિટલ પાસે બાઇક લઇને ઉભો હતો.

ત્યારે તેને ટ્રકચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થતા 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ભાવનગરમાં મહુવાનો વતની હતો. તેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. આ અંગે પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.