પાટણમાં ખરાબ રસ્તાએ લીધો ભોગ: સાંતલપુરમાં ટ્રક પલટતા એકનું ઘટનાસ્થળે જ મોત

Patan Accident: પાટણ જિલ્લામાં આ વર્ષે પડેલા મુશળધાર વરસાદના કારણે રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવેની હાલત ખખડધજ બની છે. નેશનલ હાઈવે માર્ગ (Patan Accident) ઉપર ઠેર ઠેર મસ મોટા ખાડાઓના કારણે અવાર-નવાર નાના-મોટા અકસ્માતોના બનાવો સર્જાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.

આવા અકસ્માતના કિસ્સાઓમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ રહી છે છતાં તંત્ર દ્વારા આ નેશનલ હાઈવે માર્ગ પરના ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું નથી. ત્યારે સોમવારે સવારે એક અકસ્માતની ઘટનામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે.

સાંતલપુર હાઇવે પર ટ્રક પલ્ટી જતા ડ્રાઈવરનું મોત
સોમવારે વહેલી સવારે સાતલપુરના નેશનલ હાઇવે માર્ગ પર રોઝુ નજીકની ગોળાઈ પાસેથી પ્લાસ્ટિકની બેગોમાં ભરેલા માલ સામાન સાથેનું ટેલર પસાર થઈ રહ્યું હતું. ત્યારે ખાડામાં પટકાતાં ટેલર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી ટેલર રોડ પર પલટી મારી જતાં ગંભીર ઈજાઓના કારણે ચાલકનું મોત નિપજ્યું હતું.

સામાન વેરવિખેર થઇ ગયો હતો
ટેલરમાં રાખેલા માલ સામાન ભરેલી પ્લાસ્ટીકની બેગો વેરણ છેરણ થતાં માગૅ બ્લોક થયો હતો. જેથી ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત ટેલર સહિત માલ સામાન ભરેલી પ્લાસ્ટિકની બેગો રોડ પરથી દૂર ખસેડી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાલકનું પંચનામું કરી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તંત્ર સામે રોષ જોવા મળ્યો
નેશનલ હાઇવે પર સર્જાતા અકસ્માતમાં બનાવોને લઈને પસાર થતા વાહન ચાલકોમાં પણ હાઇવે ઓથોરિટી વિભાગના તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. નેશનલ હાઈવે પર વરસાદના કારણે પડેલા મસમોટા ખાડાઓનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ હાથ ધરી ખાડાઓનુ પુરાણ કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.