Organ donation in Surat: અંગદાનમાં અગ્રેસર રહેતા સુરતમાંથી વધુ એક ફેફસા સહિત કિડની અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યાં છે. બ્રેઈનડેડ જય દિનેશભાઈ ખેરડીયા ઉ.વ ૨૪ના પરિવારે જય ના ફેફસા, કિડની તેમજ ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.(brain dead Jai Kherdia) ફેફસા સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા ડાયમંડ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી વિવિધ અંગો સમયસર જુદા જુદા શહેરોમાં પહોંચાડવા માટે 103 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
ડાયમંડ હોસ્પીટલથી મુંબઈનું ૨૮૭ કિલોમીટરનું અંતર ૧૨૦ મીનીટમાં હવાઈ માર્ગે કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અંધેરી, મુંબઈના રહેવાસી ૫૭ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવી રહ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર પચાસ થી વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
મૂળ રાજકોટનો રહેવાસી અને હાલમાં ફ્લેટ નં. ૨૦૧, સાંઈનાથ સોસાયટી, કાપોદ્રા, સુરત ખાતે પોતાના પરિવાર સાથે રહેતો જય દિનેશભાઈ ખેરડીયા(brain dead Jai Kherdia) ઉ. વ. ૨૪, એન. જે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લી. કંપનીમાં ડેપ્યુટી આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. તા. ૩૦ જુલાઈ ના રોજ તેને માથામાં દુ:ખાવો અને ઉલટી થતા, સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ફીઝીશીયન ડૉ. ગૌરવ રૈયાણીની સારવાર હેઠળ દાખલ કર્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
આર.ટી.એસ.વી ડાયમંડ હોસ્પીટલના ચેરમેન સી.પી વાનાણી એ ડોનેટ લાઈફનો ટેલીફોનીક સંપર્ક કરી જયના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી જયના પિતા દિનેશભાઈ, માતા પ્રતિમાબેન, બહેન આરતી, જીજાજી ડેવિડ મકવાણા, કાકા ભરતભાઈ અને નિલેશભાઈ, ફુઆ હરગોવિંદભાઈ અને હરેશભાઈ, તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
જય ના પિતા દિનેશભાઈએ જણાવ્યું કે, અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી. અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે, શરીર તો રાખ જ થઇ જવાનું છે, મારો પુત્ર બ્રેઈનડેડ છે, ત્યારે મારા પુત્રના અંગોના દાન થકી વધુમાં વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. જય ના પરિવારમાં તેમના પિતા દિનેશભાઈ ઉં.વ. ૫૭ જેઓ ટેલરીંગનું કામ કરે છે. માતા પ્રતિમા ઉં.વ. ૫૬ અને પરણિત બહેન આરતી ઉં.વ.૨૭ છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બે કિડની અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પીટલને ફાળવવામાં આવી, ROTTO મુંબઈ દ્વારા ફેફસા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.ફેફસાનું દાન મુંબઈની ગ્લોબલ હોસ્પિટલના ડૉ. વિશાલ પિંગલે, ડૉ. કૌશલ ચિદ્ગુપકર, રાહુલ વાસનિક અને તેમની ટીમે સ્વીકાર્યું. કિડનીનું દાન અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પીટલના ડૉ. હેમન દાસ, ડૉ. મિલાપ શાહ અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોક્દ્રસ્તી ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
સુરતની ડાયમંડ હોસ્પિટલ થી મુંબઈનું ૨૮૭ કિલોમીટરનું અંતર ૧૨૦ મીનીટમાં હવાઈ માર્ગે કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અંધેરી મુંબઈના રહેવાસી, ઉ.વ. ૫૭ વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડૉ. ચંદ્રશેખર કુલકર્ણી, ડૉ. વિશાલ પિંગલે, ડૉ. કૌશલ ચિદ્ગુપકર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.
ફેફસા સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા માટે ડાયમંડ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના ૧૮ કિલોમીટરના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. કિડની રોડ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતની ડાયમંડ હોસ્પિટલ થી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ સુધીનો ૨૭૨ કિલોમીટરનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકાર થી બનાવવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે, હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૦૩ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube