ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 39 રમતો પૈકી 32 ઓલમ્પિક સ્પોર્ટસ અને…જાણો રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ

Khel Mahakumbh 3.0: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 3.0નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજયકક્ષાની સ્પર્ધા (Khel Mahakumbh 3.0) માટેનું આયોજન કરવામાં આવશે.

આ તારીખથી કરવામાં આવશે રજીસ્ટ્રેશન
ખેલ મહાકુંભ 3.0. અંતર્ગત ગુજરાત ભરની તમામ શાળાઓએ શાળાકક્ષાએ અં-9, અં-11, અં-14, અં-17 વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સ રમતમાં ફરજીયાત ભાગ લેવાનો રહેશે. ખેલ મહાકુંભ 3.0 નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.05/12/2024 થી શરૂ કરવામાં આવશે. રજીસ્ટ્રેશનની છેલ્લી તા.25/12/2024 સુધીની રહેશે.

રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના યુવાનો રમત ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરે તે આશયથી વર્ષ -2010માં શરૂ કરેલ ખેલ મહાકુંભ 3.0 તા.5 ડિસેમ્બર થી 31 માર્ચ 2025ના રોજ યોજાશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનાર ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 39 રમતો , 32 ઓલમ્પિક સ્પોર્ટસ, 7 ઇમર્જિંગ સ્પોર્ટ્સ, અને સ્પે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 25 પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન કરવામાં આવનાર છે. વધુમાં શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં વર્ષ-૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી.

તેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ – 2010માં 16 રમતોથી શરૂ થયેલો ખેલ મહાકુંભ વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0માં 39 વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0 માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ વેબસાઈટ પર થઇ શકશે રજીસ્ટ્રેશન
ખેલ મહાકુંભ 3.0માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ફરજીયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 (બે) રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અં-9, અં-11, અં-14 અને અં-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી ર જીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.

કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગુજરાત ભરના પોતાના વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે, એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, ગુજરાત ભરની અખબારી યાદીમાં જણાવાયું છે.

ઝોન કક્ષાની રમતોમાં બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખોખો, શુટીંગબોલ, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન 01 થી 13 ફેબ્રુઆરી સુધી યોજવામાં આવશે. રાજ્યકક્ષાએ રમતોનું આયોજન 2 ફેઝમાં કરવામાં આવશે. જેમાં ફેઝ 1- 15 થી 24 ફેબ્રુઆરી 2024 અને ફેઝ- 2- 15 માર્ચથી 31 માર્ચ 2025 સુધી ખેલ મહાકુંભ 2.0નો આયોજન કરવામાં આવશે.

જેમાં ફેઝ -1 અને ફેઝ -2ની રમતોમાં આર્ચરી, એથ્લેટીક્સ, બેડમિન્ટન, બોકસીંગ, ચેસ, સાયકલીંગ, ફેન્સીંગ, જીમ્નાસ્ટીક, ઘોડેસવારી, જુડો, કરાટે, લોન ટેનીસ, મલખંભ, શુટીંગ, સ્કેટીંગ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, સોફ્ટ ટેનીસ, સ્પોર્ટ્સ કલાઈમ્બીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, વુડબોલ, વેઇટ લીફ્ટીંગ, કુસ્તી, યોગાસન, બાસ્કેટબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખો-ખો, રોલબોલ, રગ્બી, શુટીંગબોલ, સેપક ટકરાવ, રસ્સાખેંચ અને વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવશે.