પાલનપુરમાં એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતાં હાર્ટએટેકના દર્દીનું મોત, ટ્રાફિકને કારણે દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો

Heart attack patient dies in Palanpur: રાજસ્થાનના શિરોહીના સનાવાડાના ગૃહસ્થને હ્દયરોગનો હુમલો આવતાં સોમવારે બપોરે પાલનપુર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પાલનપુર (Heart attack patient dies in Palanpur) હનુમાન ટેકરીએ ટ્રાફિકમાં અડધો કલાક એમ્બ્યુલન્સ ફસાઇ જતાં તેમનું સારવારના અભાવે મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ટ્રાફિકની સમસ્યામાં દર્દી મોતને ભેટ્યા
પાલનપુરમાં એરોમા સર્કલ અને હનુમાન ટેકરી સર્કલે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે મોટી સમસ્યા બની રહી છે.વર્તમાન સમયે એરોમા સર્કલને તોડી આબુ હાઇવે તરફના માર્ગોને પહોળા બનાવવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા બાયપાસ માર્ગ માટે પણ જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, ટ્રાફિકની સમસ્યા યથાવત રહેતાં હાર્ટ એટેકના દર્દીનું મોત થયું હતુ.

ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવો જરૂરી
આ અંગે આબુરોડના સાતપુરના નારણભાઇ સોલંકીએ જણાવ્યું હતુ કે, રાજસ્થાનના સનાવાડા ગામના મારા બનેવી ચૌપારામ ચૌહાણ (ઉ.વ.50)ને હ્દયરોગનો હુમલો આવતાં પાલનપુરની રૂચિ હોસ્પિટલ ડો. સુરેન્દ્ર ગુપ્તાને ત્યાં સારવાર માટે લઇને આવતા હતા. ત્યારે હનુમાન ટેકરી નજીક ભારે ટ્રાફિક જામ થયો હોઇ એમ્બ્યુલન્સ ફસાઇ ગઇ હતી. અડધો કલાક જામમાં રહ્યા પછી ચાલકે સુખબાગ રોડ ઉપર વાહન હંકાર્યુ હતુ. જોકે, આગળ જતાં એરોમા સર્કલે પણ ટ્રાફિક જામ હતો. આમ એક કલાક ઉપરાંતનો સમય વિતી જતાં મારા બનેવીનું સારવારના અભાવે મોત થયું હતુ. જેમના પરિવારમાં પત્ની અને પાંચ સંતાનો છે. અમારી સાથે બનેલી ઘટના અન્ય પરિવાર સાથે ન બને તે માટે તંત્રએ તાકિદે ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવો જરૂરી છે.

તાત્કાલિક સારવાર ન મળતાં દર્દીનું મોત
પાલનપુર રૂચિ હોસ્પિટલના ડો. સુરેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતુ કે,હ્દયરોગના હુમલામાં તાત્કાલિક સારવાર જરૂરી હોય છે. જોકે, રાજસ્થાનના ગૃહસ્થને લઇને આવતી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઇ જતાં તાત્કાલિક સારવારના અભાવે દર્દીનું મોત થયું હતુ.