પરીક્ષામાં વિદ્યાર્થી ચિઠ્ઠી કે પૈસા મુકશે તો વિદ્યાર્થી સામે થશે કડક કાર્યવાહી, ગુજરાતની આ યુનિવર્સિટી બહાર પાડ્યું જાહેરનામું

Veer Narmad South Gujarat University: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલી પરીક્ષાઓ દરમિયાન ઉત્તરવહીની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ચલણી નોટ મૂકવા સહિત અભદ્ર…

Veer Narmad South Gujarat University: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભૂતકાળમાં લેવામાં આવેલી પરીક્ષાઓ દરમિયાન ઉત્તરવહીની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ચલણી નોટ મૂકવા સહિત અભદ્ર ભાષામાં લખાણ લખવા મુદ્દે યુનિવર્સિટીનું આકરું વલણ જોવા મળી રહ્યું છે. વારંવાર આ પ્રકારની બનતી ઘટનાઓને લઈને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પરીક્ષાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે અને પરીક્ષામાં ગેરરીતી આચરતા અથવા ઉત્તરવહીમાં અભદ્ર ભાષામાં લખાણ તેમજ ચલણી નોટ મૂકવી જેવી બાબતો ધ્યાને આવશે તો તેવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી (Veer Narmad South Gujarat University) માટેના આદેશ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા છે.

ચલણી નોટ મૂકશે રૂપિયા 2500 પેનલ્ટી ફટકારવામાં આવશે
Vnsguમાં પરીક્ષામાં વિદ્યાર્થી ગેરકાયદે વસ્તુ મુકશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પરિક્ષાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેને રૂપિયા 2500 પેનલ્ટી ફટકારવામાં આવશે તથા 6 મહિના સુધી આવી પ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થીને કોઇ પણ પરીક્ષામાં બેસવા નહી દેવાય. પરીક્ષા દરમિયાન કાપલી કે માઇક્રો ઝેરોક્ષ સહિતનું કોઈ પણ લખાણ વિદ્યાર્થી પાસેથી મળી આવશે તો તેને 500 રૂપિયા પેનલ્ટી કરાશે. તે સાથે પૂરક પરીક્ષામાં તેને બેસવા નહી દેવામાં આવે. ઉપરાંત યુનિવર્સિટીના તાબામાં આવતા તમામ પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોકમાં અને સ્ટ્રોગરૂમમાં કેમેરા લગાવવામાં આવશે જે પરીક્ષા દરમિયાન ફરજિયાત ચાલુ રાખવા પડશે. જે કોલેજો દ્વારા આવું નહી કરવામાં આવે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્રને રદ કરી દેવાશે.

વિવિધ સ્ક્વોડનું પણ આયોજન કરવામાં આવ્યું
યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્ક્વોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન ઉત્તરવહીમાં અભદ્ર ભાષામાં લખાણ લખતા વિદ્યાર્થીઓ પાસેથી સિવિલ સર્જનનું મેન્ટલી સર્ટિફિકેટ રજૂ કરવા માટેના આદેશ જારી કરાયા છે. પરીક્ષા દરમિયાન થતી આ પ્રકારની ગેરિતિ રોકવા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કડકથી કડક પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તેનું સીધું મોનિટરિંગ યુનિવર્સિટી દ્વારા હવે કરવામાં આવશે.

પરીક્ષાનું સંપૂર્ણ મોનિટરિંગ ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે અને ગેરરીતીના કેસો ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વારંવાર આ પ્રકારની ઘટના બનવા પાછળ વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ અને દૂષપરિણામ કારણભૂત હોવાનું માણવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ સ્વસ્થ મને અને સ્વાસ્થ્ય રીતે પરીક્ષા આપી શકે તે માટે જ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓએ માત્ર ટ્રાન્સપરન્સીથી પરિક્ષા આપવાની રહે છે.