રશિયન હુમલાઓથી(Russian attacks) યુક્રેન(Ukraine) ધીમે ધીમે બરબાદ થઈ રહ્યું છે. રવિવારે યુદ્ધનો 11મો દિવસ છે, પરંતુ 10 દિવસમાં તેણે ઘણું બધું ગુમાવ્યું છે. મળેલ માહિતી મુજબ યુક્રેનમાં 10 થી વધુ શહેરો નાશ પામ્યા છે તેમજ જીવ બચાવવા માટે 12 લાખથી વધુ લોકો પોતાના ઘર છોડીને દેશની બહાર ગયા છે. હાલ યુક્રેનમાં દરેક જગ્યાએ ખૂબ જ દર્દનાક દ્રશ્ય જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણાએ પોતાના ઘરો ગુમાવ્યા અને ઘણાએ તો પોતાના પરિવારજનો તેમજ પ્રિયજનોને પણ ગુમાવ્યા છે.
5 માર્ચ, 10મો દિવસ:
રશિયાએ યુદ્ધના 10મા દિવસે યુક્રેનમાં સામાન્ય લોકોના સ્થળાંતર માટે યુદ્ધવિરામની ઘોષણા કરી, પરંતુ થોડા કલાકો પછી તેને સમાપ્ત કરી દીધું.
આ પછી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે જો યુક્રેન ઝુકશે નહીં તો તેનું નામ ભૂંસી નાખવામાં આવશે. કિવ અને તેની નજીકના 10 થી વધુ શહેરોમાં હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ દરમિયાન યુક્રેનમાં ઓછામાં ઓછા 351 નાગરિકો માર્યા ગયા છે. 707 ઘાયલ છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.
4 માર્ચ, દિવસ 9:
રશિયન દળોએ યુદ્ધના 9મા દિવસે ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કર્યો. ફાયરિંગમાં પ્લાન્ટના કેટલાક ભાગોમાં આગ લાગી હતી.
બીજી તરફ ચેર્નિહિવમાં રશિયન હુમલામાં 47 લોકોના મોત થયા છે. અહીં શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી.
3 માર્ચ, દિવસ 8:
રશિયાએ યુદ્ધના આઠમા દિવસ સુધી યુક્રેનમાં ખેરસન, માયકોવ, નિકપોલ અને મેલિટોપોલ પર કબજો કર્યો. બીજી તરફ પોલેન્ડ બોર્ડર પર બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીત કરવાથી વધારે સફળતા તો નહોતી મળી, પરંતુ બંને દેશો એ વાત પર સહમત થયા કે અસરગ્રસ્ત લોકોને માનવતાના ધોરણે ખોરાક અને દવાઓ પૂરી પાડવામાં આવશે. આ દિવસે, રશિયન સૈન્યએ ચેર્નિહિવ, સુકાચી, બુકા અને બોરોદ્યાન્કામાં વિનાશ કર્યો.
2 માર્ચ, દિવસ 7:
યુક્રેનમાં રશિયન દળોને તાત્કાલિક પાછી ખેંચવા માટે યુએનજીસીમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો, જેને સમર્થનમાં 141 મત મળ્યા, પાંચ દેશોએ વિરોધમાં મતદાન કર્યું. તે દરમિયાન ખાર્કીવ સહિત અનેક મોટા શહેરોમાં વારંવાર હુમલા થયા હતા. જેમાં 21 લોકોના મોત થયા હતા, જ્યારે 112 લોકો ઘાયલ થયા હતા.
માર્ચ 1, દિવસ 6:
યુક્રેન વિશ્વને મદદ માટે અપીલ કરે છે. રશિયાએ યુક્રેનનો ટીવી ટાવર ઉડાવી દીધો. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુરોપની બેઠકમાં વિશ્વભરમાંથી મદદની અપીલ કરી હતી.
ફેબ્રુઆરી 28, દિવસ 5:
રશિયાએ હુમલાના પાંચમા દિવસે વાટાઘાટો કરવાની ઓફર કરી. બેલારુસ બોર્ડર પર યુક્રેન સાથે 5 કલાક સુધી વાતચીત ચાલી. જો કે તે અપ્રભાવી રહ્યું હતું. રશિયન સેનાએ રાજધાની કિવમાં અનેક સ્થળોએ મિસાઈલ છોડી હતી.
ફેબ્રુઆરી 27, દિવસ 4:
EU પ્રમુખ ઉર્સાલા વોન ડેર લિને જાહેરાત કરી કે EU એ રશિયા માટે તેની એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. તે જ સમયે, યુએસએ યુક્રેન માટે $54 મિલિયનનું બીજું રાહત પેકેજ જાહેર કર્યું.
ફેબ્રુઆરી 26, દિવસ 3:
બ્રિટને પુતિન અને તેમના વિદેશ પ્રધાન, સેર્ગેઈ લવરોવની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો. કેનેડા અને યુરોપિયન યુનિયને રશિયાને SWIFT પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કાઢવાની હાકલ કરી છે. યુક્રેનના પ્રસ્તાવ પર રશિયાના વીટો વિરુદ્ધ 50 દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.
ફેબ્રુઆરી 25, દિવસ 2:
રશિયન દળોએ યુક્રેનના લુહાન્સ્ક અને ડોનેટ્સકમાં હુમલા શરૂ કર્યા. અમેરિકાએ તરત જ રશિયા પર ઘણા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી. યુએનમાં રશિયા સામે નિંદાની દરખાસ્ત લાવવામાં આવી હતી, પરંતુ વીટોને કારણે તેને નકારી કાઢવામાં આવી હતી.
24 ફેબ્રુઆરી, યુદ્ધની શરૂઆત:
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો, ત્યારબાદ રશિયન દળોએ યુક્રેન સરહદ તરફ કૂચ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.