સુરતમાં ધરણાં પહેલાં પરેશ ધાનાણી સહિત 50 કોંગી કાર્યકરોની અટકાયત, જુઓ વિડીયો

Paresh Dhanani Protesting: અમરેલીમાં રાજકારણનો ભોગ બનેલી પાટીદાર યુવતી પાયલ ગોટીના મુદ્દે સુરત સહિત ગુજરાતમાં ઠેર ઠેર આંદોલનો ચાલી રહ્યા છે. એવામાં આજે સોમવારે 13 જાન્યુઆરીના રોજ સુરત ખાતે વરાછા વિસ્તારમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમનું (Paresh Dhanani Protesting) આયોજન થયું હતું. જોકે વરાછાના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ કાર્યકરોએ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ ગોઠવે તે પહેલા જ બધાની અટકાયત કરી લેવામાં આવી છે.

હાલમાં માનગઢ ચોક મીની બજાર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસનું કહેવું એવું છે કે આ ધરણા પ્રદર્શન માટે પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવેલ નથી, જેથી પોલીસે પરેશ ધનાણી, પ્રતાપ દુધાત સહિત 40થી વધારે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લીધી છે.

જો પોલીસ ધરણાની પરવાનગી નહીં આપે તો અમે પોલીસ સ્ટેશનમાં ધરણા કરીશું
પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાતચીત માં જણાવ્યું હતું કે અમરેલીમાં પાટીદાર દીકરી સાથે જે બન્યું છે તે દીકરીને ન્યાય અપાવવા માટે અમે લડી રહ્યા છીએ. અમે માનગઢ ચોક ખાતે ધરણા પ્રદર્શન માટે જરૂરી પરમિશન માગી હતી પરંતુ પોલીસે તે ન આપી હતી. અમે માનગઢ ચોક ખાતે પહોંચ્યા છીએ. જોવા જઈએ તો આ પ્રકારના ઘણા પ્રદર્શન માટે કોઈ પરવાનગી લેવાની જરૂર હોતી નથી. અમે આ દીકરીને ન્યાય અપાવવા માટે શાંતિપૂર્ણ રીતે ધરણા કરવાના હતા. જોકે પહેલેથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જો અમને પરવાનગી આપવામાં નહીં આવે તો અમે પોલીસ સ્ટેશનમાં જ ધારણા કરીશું.

શું હતો સમગ્ર મામલો?
થોડા દિવસ અગાઉ અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામ વાળો કથિત નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ લેટરપેડ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલને પત્ર લખી આ ઘટના અંગે જાણકારી આપી હતી. આ કથિત નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર પહોંચી ગયા હતા. આ સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર સહિત પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનો કારસો રચનાર ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી. જેમાં રિકન્સ્ટ્રક્શનના નામે પાટીદાર દીકરી પાયલ ગોટીનું મીડિયાને સાથે રાખી સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત પછીના દિવસોમાં પોલીસ દ્વારા રાત્રીના સમયે આ યુવતીની ધરપકડ પણ કરવામાં આવી હતી. માંડ એ મામલો થાળે પડ્યો એવામાં પોલીસ અધિકારીઓએ થોડા દિવસ પછી પાયલ ગોટીને રાત્રે જ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ચેકઅપના બહાને ઉઠાવી ગયા હતા. ત્યારબાદ આ મામલો વધારે ગરમાયો હતો. જેના પડઘા હજુ સુધી પડી રહ્યા છે.