સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજનાં તમામ પરિવારો ધારે તો સમાજને પ્રતિવર્ષ ૫,૦૦૦ કરોડ રૂપિયાની જંગી સહાય કરી શકે તેમ છે! આવી ગંજાવર રકમમાંથી સમાજના બાંધવો માટે વધુ સુવિધાઓ તદન કિફાયતી વ્યાજે લોન, આર્થિક સહાય, સમાજના હોનહાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉદાર આર્થિક સહાય અને સ્કોલરશીપ આપી શકાય તેમ છે. ૫,૦૦૦ કરોડની આવી માતબર રકમ સમાજનાં પરિવારો પાસેથી મેળવી શકાય તેમ છે.
આમાં ચોંકી જવાની જરૂર નથી. આ એક નક્કર હકીકત છે. આ મામલામાં સમાજનાં તમામ પરિવારોએ માત્ર આટલું જ કરવાનું છે. વિવાહ, લગ્ન સાહેતના તમામ સમારંભો તથા માઠા પ્રસંગોએ થતા જમણવારોનો રિવાજ તથા આવા પ્રસંગોએ કરવામાં આવતા લખલૂટ ખર્ચાઓ બંધ કરો! જો આમ કરવામાં આવે તો પટેલ સમાજનાં તમામ પરિવારો વરસ-દહાડે ૫,૦૦૦ કરોડ રૂપિયાની રકમ બચત કરી શકે તેમ છે! દરેક પરિવાર આવા ખર્ચા રોકીને એ રકમ બચાવી ખેતીના વિકાસ અને શિક્ષણ માટે વાપરી શકે. ‘ટીપે ટીપે સરોવર ભરાય’ તે મુજબ દર વર્ષે ખોટા ખર્ચા અટકાવીને પાંચેક હજાર કરોડ રૂપિયાની બચત થાય તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં પચાસ વર્ષમાં ખેતીના ટુકડા થતાં ભાગ્યે જ કોઈ ૧૦૦ વીઘાનો ખાતેદાર રહ્યો છે. જમીન ટૂંકી થતાં ખેતી મોંઘી થઈ છે. આવક ઘટી છે. આવા સંજોગોમાં ગ્રામીણ પરિવારો સારી રીતે ગુજરાન પણ ચલાવી શકતાં નથી. પરિવારો બેહાલ થઈ ગયાં છે. સૌરાષ્ટ્રના પટેલ સમાજની એક આવકાર દાયક બાબત એ છે કે સૌ એક તાંતણે બંધાયેલા છે . દ્વારકાથી દીવ અને કચ્છથી અમદાવાદ સુધી સૌરાષ્ટ્રના પટેલોમાં કોઈ ગોળની વાડાબંધી નથી. દહેજ પ્રથાનું દૂષણ નથી. આપણી આર્થિક સમસ્યાઓનું એપી સેન્ટર છે કુરિવાજો!
સારા માઠા પ્રસંગોએ વ્યવહારના અઢળક ખર્ચા કરવામાં આવે છે. આથી ખેતીના વિકાસ માટે નાણાં બચતાં નથી. સિંચાઈ, ખાતર, બિયારણ જેવા ખર્ચા કરવાની ત્રેવડ રહેતી નથી. બાળકોના અભ્યાસ માટે પણ આર્થિક પહોંચ રહેતી નથી. લગ્નના ખર્ચા ઘટાડવા સમૂહલગ્નો યોજીએ છીએ. જોકે દરેક ગામ માટે આ અશક્ય છે , કારણકે આયોજકો પાસે પણ સમૂહલગ્ન માટે ભંડોળ આવશ્યક છે.
સૌરાષ્ટ્રમાં લગ્ન અને વિવાહ પાછળ જે ગંજાવર ખર્ચા થાય છે તેની અંદાજિત ગણતરી અમે કરી છે . સૌરાષ્ટ્રનાં તમામ શહેરો-ગામડાંઓ અંગે વિચારીએ તો દરેક જિલ્લામાં ૭થી ૧૦ તાલુકાઓ હોય છે. દરેક તાલુકામાં ૮૦થી ૧૨૦ ગામડાં હોય છે. ખાસ કરીને રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, કચ્છ જિલ્લાઓની ગણતરી કરીએ તો સાતેક હજાર ગામો થાય, જેમાં ૬૦ ટકા વસ્તી પટેલોની છે, દરેક ગામમાં વર્ષે ત્રીસેક લગ્નો ગણીએ તો ૧૫,૦૦૦ જે ટલાં લગ્નો થાય! આમાં શહેરોનો પણ ઉમેરો કરીએ તો પચીસેક હજાર (અંદાજે) લગ્ન થાય અને તેનો અંદાજે સરેરાશ ખર્ચ ૫,૦૦૦ કરોડ જેટલો થાય!
લગ્ન ભલે સંપૂર્ણ ધાર્મિક વિધિથી થાય, પણ તેની પાછળના ખોટા ખર્ચા સત્વરે અટકાવી દેવાની તાતી જરૂર છે. આ માટે ગામથી માંડીને તાલુકા અને શહેર કક્ષાએ આગેવાનોએ ઝુંબેશ સ્વરૂપે આવા ખર્ચા અટકાવવા કામગીરી હાથ ધરવી પડશે.
આમાં સમગ્રતયા આગેવાની કોણ લઈ શકે તેમ છે? સમાજક્રાંતિના પ્રણેતા મધુરભાઈ સવાણી દરેક જિલ્લાના આગેવાનોનો સંપર્ક કરીને ગામદીઠ બે-બે વ્યક્તિઓને આ બાબતે ચર્ચા કરી તેમને આ ઝુંબેશમાં સામેલ કરે તો આ કામ શક્ય બની શકે તેમ છે.
આ કામમાં હવે વિલંબ પોસાય તેમ નથી!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news