લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ ચરણનું મતદાન પૂર્ણ થતા એક દિવસ બાદ સોમવારે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે.
પેટ્રોલ દિલ્હી અને મુંબઈમાં 9 પૈસા, જ્યારે કોલકત્તામાં 8 પૈસા અને ચેન્નઈમાં 10 પૈસા પ્રતિ લીટર મોંઘું થઇ જશે. ડીઝલના ભાવ દિલ્હી અને કોલકાતામાં 15 પૈસા જ્યારે મુંબઇ અને ચેન્નઈમાં 16 પૈસા પ્રતિ લીટર વધી જશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે કોઇપણ જાતનો ફેરફાર નથી કરવામાં આવ્યો. કમોડિટી બજારના જાણકાર જણાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં તેજી આવી છે જે બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે ઘટવાની કોઇ પણ આશા નથી.
એન્જલ બ્રોકિંગના એનર્જી અને કરન્સી રિસર્ચ ના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ અઠવાડિયે ઘટવાને કોઈપણ જાતની સંભાવના નથી પરંતુ વૃદ્ધિ થશે. પેટ્રોલના ભાવ બેથી ત્રણ રૂપિયા પ્રતિ લીટર સુધી પણ વધી શકે છે.
તેમણે કહ્યું કે હાલમાં જ તેલના ભાવમાં જે વૃદ્ધિ થઇ તેની અસર પેટ્રોલ અને ડીઝલ પર પણ પડી શકે છે.
અમદાવાદ નો પેટ્રોલનો ભાવ 7 પૈસા જેટલો વધ્યો છે. જ્યારે સુરતમાં પેટ્રોલનો ભાવ 9 પૈસા તેમજ વડોદરામાં પણ પેટ્રોલનો ભાવ 9 પૈસા જેટલો વધ્યો છે. આમ અમદાવાદ છોડીને ગુજરાતના તમામ શહેરોમાં પેટ્રોલનો ભાવ સરેરાશ 9 પૈસા જેટલો વધી ગયો છે.