શ્રીમંત વિધિ પતાવીને પરત ફરતા પિકઅપ વાહનનો ડિંડોરીમાં સર્જાયો ભયંકર અકસ્માત: એકસાથે 14ના મોત, 20 ઘાયલ

MP Dindori Accident: મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોને લઈ જઈ રહેલા એક પીકઅપ વાહને કાબુ ગુમાવ્યો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં(MP Dindori Accident) 14 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને શાહપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. ડિંડોરીના કલેક્ટર વિકાસ મિશ્રાએ 14 લોકોના મોત અને મોટી સંખ્યામાં ઘાયલોની માહિતી આપી છે. મોટી સંખ્યામાં જાન ગુમાવ્યાને જોઈને જ અકસ્માતની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.

ડિંડોરીમાં માર્ગ અકસ્માત, 14 લોકોના મોત
મધ્યપ્રદેશના સીએમ ડૉ. મોહન યાદવે ડિંડોરી જિલ્લામાં થયેલા વાહન અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને દરેક મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવાની સૂચના આપી છે. આ ઉપરાંત, ઘાયલોની સારવાર માટે જિલ્લા પ્રશાસનને પણ સૂચના આપવામાં આવી છે, આ માહિતી મધ્યપ્રદેશના સીએમઓએ ટ્વિટ કરીને આપી હતી.

યુપીમાં પણ વાહન નિયંત્રણ બહાર પલટી ગયું, 22 લોકોએ જીવ ગુમાવ્યા
થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના કાસગંજમાં પણ આવો જ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને તળાવમાં પલટી ગઈ. આ અકસ્માતમાં 7 બાળકો અને મહિલાઓ સહિત 22 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા.અજાણ્યા વાહનને બચાવવા જતાં ભક્તોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી કાબૂ બહાર જઈ તળાવમાં પડી હતી. આ અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. હવે મધ્યપ્રદેશમાં પણ આવો જ એક હ્રદયસ્પર્શી અકસ્માત થયો છે. અહીં પણ મુસાફરોથી ભરેલ પીકઅપ વાહને કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી.

મુખ્યમંત્રીએ 4- 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એમપીના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. કેબિનેટ મંત્રી સંપતિયા ઉઇકે શાહપુરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઘાયલોને મળ્યા હતા. તેમણે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી અને તેમને સરકારી સહાયની ખાતરી આપી.