PM મોદીએ રામેશ્વરમમાં પંબન બ્રિજનું કર્યું ઉદ્ઘાટન: એશિયાનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ, વીડિઓમાં જુઓ ખાસિયતો

Rameswaram First Vertical Lift Railway: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના રામેશ્વરમ ખાતે ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પંબનનું ઉદ્ઘાટન કર્યુ છે. આ નવા રેલ્વે પુલને (Rameswaram First Vertical Lift Railway) લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. સમુદ્ર પરનો આ રેલ્વે પુલ ભૂતકાળ અને ભવિષ્યને જોડે છે. રામ નવમીના દિવસે તેને જનતાને સમર્પિત કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ નવી ટ્રેનને આપી લીલીઝંડી
પીએમ મોદીએ રામેશ્વરમ અને તાંબરમ (ચેન્નાઈ) વચ્ચે નવી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી. આ ઉપરાંત એક કોસ્ટ ગાર્ડ જહાજ પણ મોકલવામાં આવ્યું છે. એટલે જેમ જેમ પુલનો વર્ટિકલ લિફ્ટ ભાગ ઉપર આવશે, તેમ તેમ જહાજ તેની નીચેથી પસાર થશે. આ આ પુલની કાર્યકારી ટેકનોલોજીનું પ્રદર્શન કરાયુ છે. ત્યારે આવો જાણીએ કેવો છે આ બ્રિજ અને શું છે ખાસિયત

વૈશ્વિક સ્તરે ભારતીય એન્જિનિયરિંગની એક મોટી સિદ્ધિ
પંબન બ્રિજનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. રામાયણ અનુસાર ભગવાન રામની સેનાએ રામેશ્વરમ નજીક ધનુષકોડીથી રામ સેતુનું નિર્માણ શરૂ કર્યું હતું. નવો પંબન રેલ્વે બ્રિજ રામેશ્વરમ ટાપુને ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડે છે અને વૈશ્વિક સ્તરે ભારતીય એન્જિનિયરિંગની એક મોટી સિદ્ધિ છે.

તેની કિંમત અને લંબાઈ કેટલી છે?
તેની કિંમત 550 કરોડ રૂપિયાથી વધુ છે. આ પુલ 2.08 કિલોમીટર લાંબો છે. તેમાં 99 સ્પાન (થાંભલાઓ વચ્ચેનું અંતર) છે અને તેનો ઉપાડવાનો ભાગ 72.5 મીટર લાંબો છે, જે 17 મીટરની ઊંચાઈ સુધી લિફ્ટ થઇ શકે છે. પરિણામે મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકે છે અને ટ્રેન સેવાઓ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહી શકે છે.\

મજબૂતાઈ કેવી છે
પુલને મજબૂત બનાવવા માટે, તેમાં સ્ટેનલેસ સ્ટીલ, ખાસ રક્ષણાત્મક પેઇન્ટ અને વેલ્ડેડ સાંધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી તેની શક્તિ અને આયુષ્યમાં વધારો થયો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમાં બે રેલ્વે ટ્રેકની જોગવાઈ કરવામાં આવી છે. દરિયાઈ હવાને કારણે થતા કાટથી બચાવવા માટે તેમાં ખાસ પોલિસીલોક્સેન કોટિંગ છે.

પહેલો પંબન બ્રિજ ક્યારે બન્યો ?
પહેલો પંબન પુલ 1914માં બ્રિટિશ ઇજનેરો દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે એક કેન્ટીલીવર (ધાતુ અથવા લાકડાનો લાંબો ટુકડો જે પુલના છેડાને ટેકો આપવા માટે દિવાલથી બહાર નીકળે છે) ડિઝાઇન પુલ હતો. તેમાં શેર્ઝર રોલિંગ લિફ્ટ ભાગ હતો. એક સદી કરતાં વધુ સમય સુધી, આ પુલ યાત્રાળુઓ, પ્રવાસીઓ અને વેપારીઓ માટે જીવનરેખા તરીકે સેવા આપતો રહ્યો. પરંતુ દરિયાઈ પર્યાવરણને થતા નુકસાન અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સરકારે ફેબ્રુઆરી 2019 માં એક નવા ટેકનોલોજીકલ રીતે મજબૂત પંબન પુલના નિર્માણને મંજૂરી આપી હતી.

દેશનો આ પુલ વિશ્વના પ્રતિષ્ઠિત પુલોની યાદીમાં જોડાયો
નવા પંબન બ્રિજનું નિર્માણ રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) દ્વારા કરવામાં આવ્યું છે. તે રેલ્વે મંત્રાલય હેઠળની એક નવરત્ન કંપની છે. પુલના નિર્માણ દરમિયાન, પર્યાવરણીય પ્રતિબંધો, મજબૂત દરિયાઈ મોજા, ભારે પવન અને ખરાબ હવામાન જેવા ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો.
આ વિસ્તાર ચક્રવાત અને ભૂકંપ માટે સંવેદનશીલ છે, તેથી ઇજનેરોએ ખૂબ જ વિચારપૂર્વક એક મજબૂત ડિઝાઇન તૈયાર કરી.
હવે આ નવા પુલની ગણતરી અમેરિકાના ગોલ્ડન ગેટ બ્રિજ, લંડનના ટાવર બ્રિજ અને ડેનમાર્ક અને સ્વીડનને જોડતા ઓરેસુંડ બ્રિજ જેવા વિશ્વના અન્ય પ્રખ્યાત પુલોમાં થઈ રહી છે.
આ બધા પુલ તેમની ટેકનિકલ ડિઝાઇન અને એન્જિનિયરિંગ માટે જાણીતા છે.
હવે આ પ્રતિષ્ઠિત પુલોની યાદીમાં નવો પંબન પુલ પણ જોડાયો છે. તે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતની દરિયાઈ અને ભૂકંપીય પરિસ્થિતિઓનો સફળતાપૂર્વક સામનો કરવાની ક્ષમતા ધરાવે છે.

વર્ટિકલ લિફ્ટ પુલ શું હોય છે ?
વર્ટિકલ લિફ્ટ બ્રિજ એ એક એવો પુલ છે જેને જરૂર પડ્યે પાણીની સપાટીથી ઉપર ઉપાડી શકાય છે. પુલનો કેટલોક ભાગ ઉંચો કરવાથી, મોટા જહાજો તે જગ્યાએથી સરળતાથી પસાર થઈ શકશે.

નવા પંબન બ્રિજ વિશે શું ખાસ છે?
આ 72.2 મીટર પહોળો દરિયાઈ માર્ગ છે.
પુલની એક લેનમાં બે ટ્રક એકસાથે સરળતાથી ચાલી શકે છે.
આ પુલ 17 મીટર સુધી ઊંચો કરી શકાય છે.
આ પુલ જૂના પુલ કરતા 3 મીટર ઊંચો છે.
આ પુલને ટકાઉ બનાવવા માટે, તેમાં સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે તેને સુરક્ષિત રીતે પેઇન્ટ કરાયો છે.
આ પુલના ઉદઘાટન સાથે રેલવેને તેના ટ્રાફિકને સુગમ બનાવવામાં પણ મદદ મળશે.
ભારે અને ઝડપી ટ્રેનો પણ પુલ પરથી સરળતાથી પસાર થઈ શકશે.