પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આવતીકાલે 20 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સ દ્વારા સોમનાથ ‘સમુદ્ર દર્શન’ વોક વે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જીર્ણોદ્ધાર કરેલા અહલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કરશે.
અહિલ્યાબાઈ હોલકર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને મુખ્ય મંદિરની સામેની બાજુએ આવેલું છે. તેના નવીનીકરણ પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લગભગ એક કિલોમીટર લાંબા ‘સમુદ્ર દર્શન’ વોક વે ના નિર્માણ પાછળ 47 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સોમનાથ પ્રદર્શન કેન્દ્ર સોમનાથ મંદિરના પરિસરમાં સ્થિત પ્રવાસી સુવિધા કેન્દ્ર નજીક આવેલું છે. આ પ્રદર્શન કેન્દ્રમાં જૂના સોમનાથ મંદિરના ક્ષતિગ્રસ્ત ભાગો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
અહિલ્યાબાઈ હોલકર મંદિર 3.5 કરોડમાં પૂર્ણ થયું છે. તે ઈન્દોરના અહિલ્યા બાઈ હોલકરે બનાવ્યું હતું. વડાપ્રધાન મોદી ગીર-સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં આવેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. ઉદઘાટન અને શિલાન્યાસ સમારોહ 20 ઓગસ્ટે મંદિર સંકુલના રામ મંદિર સભાગૃહમાં યોજાશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે. તેઓ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઓડિટોરિયમમાં હાજર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.