ગુજરાત(gujarat): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની અમદાવાદમાં તડામાર તૈયારી શરુ થઇ ગઈ છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પુરી થયા પછી હવે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ માટેનું કાઉનડાઉન શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં પીએમ મોદીના કાર્યક્રમની તૈયારી આરંભી દેવામાં આવી છે, એટલું જ નહીં સ્ટેજ અને ડોમ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં ”મારુ ગામ, મારુ ગુજરાત” અંતર્ગત વડાપ્રધાન 1. 5 લાખથી વધુ જનપ્રતિનિધિઓનું સંબોધિત કરશે.
PM મોદી 11મી માર્ચના રોજ સવારે 10 વાગ્યે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ 10:30 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે જવા નીકળશે. એરપોર્ટથી લઈને ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી તેમનું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ વડાપ્રધાનને આવકાર આપશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે ભાજપના યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચા દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવી શકે છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંચ હજાર યુવાનો બાઇક રેલીમાં જોડાશે. ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાન 11 વાગ્યાની આસપાસ પહોંચશે, જ્યાં તેઓ ભાજપના નેતાઓ અને તમામ ધારાસભ્યો સાથે બેઠક કરશે. કમલમ ખાતે નક્કી કરેલા 430 લોકો જ હાજર રહી શકશે. કમલમ ખાતે બેઠક કર્યા બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે.
ગુજરાતમાં ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે કમર કસી રહ્યું છે. જેને લઈને મોદી 11 અને 12 તારીખના રીખના રોજ ગુજરાત આવી રહ્યા છે. જેનો શંખનાદ 11મી માર્ચે પીએમ નરેન્દ્ર મોદીના વિરાટ પ્રદર્શન સાથે ફૂંકવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના જનપ્રતિનિધિઓ હાજર રહેવાના છે. અહીં કાર્યક્રમમાં પીએમ મોદી ભાજપના કાર્યકરોને ચૂંટણી અંગે ગુરુમંત્ર આપશે. બીજી બાજુ શહેરની વચ્ચોવચ GMDC ખાતે ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
આ ઉપરાંત, 12 માર્ચે પીએમ મોદી રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં હાજરી આપશે. રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પણ પીએમ મોદી સંબોધન કરશે. 12 માર્ચે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. નવરંગપુરા સ્ટેડિયમમાં પીએમ મોદી ખેલ મહાકુંભને ખુલ્લો મુકશે. જેમાં પણ જંગી જનમેદનીને પીએમ મોદી સંબોધન કરશે. સાથે જ ખેલ મહાકુંભની સફળતાની વાત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.