ભાજપ નેતાના બુથ કેપ્ચરીંગ બાદ ચૂંટણીપંચે લીધો મોટો નિર્ણય, હવે…

ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ વચ્ચે મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગની (Booth Capturing) ઘટના સામે આવી હતી. જેમા કેન્દ્રીય ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટના સામે આવતા રીપોલિંગનો આદેશ આપવામાં આવ્યો છે.ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા રમેશ ભાભોરના પુત્ર વિજયની કરતૂતના કારણે પુનઃ મતદાનના આદેશ અપાયા છે. 220 નંબરના બુથ પર હવે શનિવારે એટલે કે 11 મેના રોજ ફરીથી મતદાન થશે.

ભાજપના નેતાના પુત્રએ Booth Capturing કર્યું હતું

ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરનો (Vijay Bhabhor Booth Capture) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં વિજય ભાભોર પરથમપુર બુથ નંબર 220 મતદાન મથકના સ્ટાફને ધમકાવતો જોવા મળ્યો હતો. બુથના સ્ટાફને ધમકાવીને મત નાખવા આવતા લોકોને સહી કરાવી અને મોટાભાગના મત જાતે જ નાખતો જોવા મળ્યો હતો. મતદાન મથકની બહાર પોલીસ સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ખુલ્લે આમ ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી. આખુ બુથ જ હાઇજેક કરી નાખ્યુ હતું અને આખી ઘટનાને LIVE કરી હતી. જોકે, વિવાદ થયા બાદ વિજય ભાભોરે સોશિયલ મીડિયા પરથી આ વીડિયો હટાવી દીધો છે.

11 મેના રોજ ફરીથી મતદાન થશે

મંગળવારે મતદાન દરમિયાન વિજય ભાભોરે બુથ પરનું ઈવીએમ કેપ્ચર કર્યુ હતુ. એટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પર વિજય ભાભોરના આ નબીરાએ તેનું લાઈવ પણ કર્યુ હતું. જો કે નેતા પુત્રની આ કરતૂતની મીડિયામાં જોરદાર ચર્ચા પણ થઈ છે. સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે પુનઃ મતદાનની પણ માગ કરી હતી. ચૂંટણી પંચના આદેશ બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીએ તપાસ અહેવાલ રજૂ કર્યો જેના આધાર પર ફરીથી મતદાન યોજાવા જઈ રહ્યુ છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં વિજય ભાભોર અને મગન ડામોર નામના શખ્સની ધરપકડ કરી છે.ચૂંટણી પંચ પાસેથી મળતી માહિતી મુજબ, 11 મેના રોજ સવારે 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી પરથમપુરા બૂથ પર ફેર મતદાન કરવામાં આવશે. બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેર મતદાનના આદેશ આપવામાં આવ્યા છે.એ બુથ પરના તમામ મતદારો સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ફરી મતદાન કરી શકશે.

બે લોકોની ધરપકડ કરાઇ

આ મામલે પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. પ્રિસાઈડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઈડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે.