સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ હજારો વર્ષ પહેલાં બરડા ડુંગરમાં પ્રગટાવી હતી હોળી, જાણો કાનમેરાહોળીનો ઈતિહાસ

Barda Dungar Kanmera Holi: પોરબંદરના બરડા ડુંગરની ગિરિમાળામાં કાનમેરા શિખર આવેલ છે. કહેવાય છે કે કાનમેરો શિખર એ બરડાના વેણુ અને આભપરા પછીનું સૌથી (Barda Dungar Kanmera Holi) ઊંચું શિખર છે. એમ કહેવાય છે અહીં હજારો વર્ષો પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હતી. ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન અને પૂજન કરવા આવે છે.

કેવી રીતે ઉજવાય છે કાનમેરાની હોળી ?
આ હોળીની જ્વાળાઓ છેક દ્વારકાથી જોઈ શકાય છે. બરડા પંથકમાં તેમજ અડધા હાલાર પંથકમાં કાનમેરાની હોળી પ્રગટે પછી બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી. પરંતુ હવે કો’ક ગામોએ જ આ પરંપરા જાળવી છે બાકી ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે.

આજ પણ કાનમેરાની હોળી પ્રગટે ત્યારે લોકો ત્યાં સામ-સામે દુહાઓ ગાય છે, ગીતો ગાય છે. આ પરંપરા એક સમયે દરેક ગામોમાં હતી. દુહા ગાનાર પ્રતિસ્પર્ધી સામ-સામા એક પછી એક દુહાઓ લલકારતા. કલાકો સુધી આ દોર ચાલતો. લોકો એક ગામથી બીજા ગામ પણ દુહાઓ ગાવા જતા. પરંતુ હવે આ પરંપરા ભાગ્યે જ કયાંક જોવા મળે છે.

કાનમેરાની હોળી પાછળની લોકવાયકા:
અહીં એક લોકવાયકા એવી છે કે ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મિણીનું હરણ કરી લાવ્યા અને અહીં એમનો વિવાહ થયો. એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો. એટલે ભગવાન શ્રીકૃષ્ણ એ અહીં હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું. અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો, રાસ રમ્યા. ભગવાન શ્રીકૃષ્ણના વિવાહમાં અહીં માણસોનો મેળો ભરાયો એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે.

કાનમેરાની હોળી જ્યાં થાય છે ત્યાં પશ્ચિમમાં વીસેક ફૂટ નીચે બે ચાર પથ્થરોની નાનકડી ગુફામાં ગાત્રાળ માતાનું સ્થાનક છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં હોળી પૂજન કરી બધા સાંજે નીચે આવી જાય છે કોઈ ત્યાં રાતવાસો કરતું નથી. રોકાય તો કોઈક સ્થાનિક જ રોકાય છે. અને એમનું કહેવું છે કે હોળીનો કુંભ પણ કોઈ કાઢી શકતું નથી, કોઈ નિરાકર શક્તિ કુંભ કાઢી લે છે. સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે. હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે અને હોળીનો કુંભ કેવો પાક્યો એના પરથી એક જમાનામાં લોકો આગોતરા વર્ષનું અનુમાન લગાવતા. આજ પણ વડીલોમાં આ બાબતે અનેરી આસ્થા જોવા મળે છે.