પોરબંદર (ગુજરાત): માર્ગ અકસ્માત (Accident) ની એક કરૂણ ઘટના સામે આવી રહી છે કે, જેમાં કુલ 4 યુવાનોના મોત (Four Killed) નીપજ્યા છે. પોરબંદર સોમનાથ હાઈવે (Porbandar-Somanth Highway) પર આજે વહેલી સવારમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી.
આ દુર્ઘટનામાં એક જ પરિવારના એકસાથે 4 યુવાનોના મોત નીપજતા પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. જયારે ખજૂરીયા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. મળી રહેલ જાણકારી પ્રમાણે, પોરબંદર સોમનાથ હાઈવે પર નરવાઈ મંદિર તથા ચીકાસા નજીક વહેલી સવારમાં પાંચ યુવાનો કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી ગઈ હતી.
કારમાં સવાર પાંચ યુવાનોમાંથી 3 લોકોના તો ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાનની હાલત ગંભર હોવાથી તેને જામનગર સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે એક યુવાનને નાની ઈજા પહોંચી છે પણ તેનો જીવ બચી ગયો છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, ખંબાળીયાના ખજૂરીયા ગામનો રહેવાસી મયૂર ચંદ્રાવાડિયા માંગરોળ પંથકની લોએજ ગામમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેણે કોઈ પરીક્ષા આપી તેનું સર્ટીફિકેટ લેવા માટે આજે વહેલી સવારમાં ખજૂરીયા ગામથી 5 યુવાનો કાર લનેઈ લોએજ જવા માટે નીકળ્યા હતા.
તેમની કાર પોરબંદર પાસેના નરવાઇ મંદિર તથા ચીકાસા વચ્ચેના હાઇવે પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી, પાસે રહેલ દુકાનદારો તરત દોડી આવ્યા હતા. આની સાથે જ બચાવ ટીમ અને પોલીસને આ મામલે જાણ કરી દેવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા બચાવ કાર્ય શરૂ કરતા આ દુર્ઘટનામાં 3 યુવાનો કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા તથા ઘેલુભાઇ ચંદ્રાવાડિયાનું સ્થળ પર જ મોત થયું હતું.
જ્યારે રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની હાલત ગંભીર જણાતાં તેને સારવાર માટે જામનગર રિફર કરી દેવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું છે. જ્યારે પાંચમો યુવાન વજશીભાઇ નંદાણિયાને સામાન્ય ઈજા હોવાથી તે ખતરાથી બહાર છે. પરિવારને ઘટનાની જાણ થતાની સાથે જ પરિવારજનો પોરબંદર જવા માટે રવાના થયા હતા.
તમામ યુવાનો એક જ પરિવારના કાકા-બાપાના ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. જયારે 4 યુવાનો અકસ્માતમાં કાળનો કોળીયો બનતા ચંદ્રાવાડિયા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. ખજૂરીયા જેવા નાનકડા ગામના યુવાનોના અકસ્માતથી ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો છે, પરિવારનું આક્રંદ જોઈ ગામ પણ હિબકે ચઢ્યું છે. એક જ પરિવારના 4 લાડલાનો દીપક બુજાઈ જતા ગામમાં અરેરાટીનો માહોલ છવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.