ન ભૂતો ન ભવિષ્યતિ… આવનારી 15 ડીસેમ્બરથી 15 જાન્યુઆરી દરમિયાન સમગ્ર વિશ્વની નજર ગુજરાતના અમદાવાદ સ્થિત 600 એકરમાં તૈયાર થયેલા પ્રમુખસ્વામી મહારાજ નગર પર રહેશે. માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણ રૂપે થઈ ચૂકી છે. મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે ભારત અને વિદેશોમાંથી ઠેર ઠેર લાખો લોકો ઊમટશે, તેની તૈયારીઓ રૂપે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર વિકસાવવામાં આવ્યું છે.
તા. 14 ડિસેમ્બરે સાંજે 5.00 થી 7.30 દરમ્યાન મહોત્સવના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિરાટ જનમેદનીની ઉપસ્થિતિમાં મહોત્સવનું શાનદાર ઉદઘાટન થશે. તા. 15 ડિસેમ્બરે ગૃહમંત્રી અમીત શાહથી લઈને દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 30 દિવસીય કાર્યક્રમોના ‘ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગ’નો આરંભ થશે. તા. 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓ એકત્રિત થઈને મંચ પરથી એકતાનો સંદેશ આપશે.
તા. 6 થી 11 જાન્યુઆરી દરમ્યાન નોર્થ અમેરિકા દિન, યુ.કે.-યુરોપ દિન, આરબદેશો દિન, આફ્રિકા ખંડ દિન, ઓસ્ટ્રેલેશિયા દિન વગેરે કાર્યક્રમો દ્વારા જુદા જુદા દેશોના રાજદૂતો અને પ્રખર નેતાઓની ઉપસ્થિતિમાં વિવિધ પ્રસ્તુતિઓ થશે. તા. 15 જાન્યુઆરીએ મહોત્સવનો શાનદાર પૂર્ણાહૂતિ સમારોહ લાખોની જનમેદની વચ્ચે યોજાશે.
મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ થશે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત આ મહોત્સવ સ્થળ 250 કરતાં વધારે ખેડૂતો અને બિલ્ડરોના નિઃસ્વાર્થ સહયોગથી તેમણે આપેલી ભૂમિ પર રચવામાં આવી છે. મહોત્સવ સ્થળના અનેક આકર્ષણો જીવનઘડતરની પ્રેરણા આપે છે અને લોકોને નૈતિક-આધ્યાત્મિક બાબતો જીવનમાં નવી રીતે શીખવાની અને અપનાવવાની એક તક પૂરી પાડે છે.
પ્રમુખસ્વામી મહારાજ નગરની અનેક વિશેષતાઓ…
મહોત્સવ સ્થળે અદભુત રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન 2100 સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનતથી અદભુત રીતે સજાવવામાં આવ્યો છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવાં, સ્વયંસેવકોએ હાથે બનાવેલાં વિશાળ કદનાં આઠ હજારથી વધુ ફૂલો ઝગમગી ઊઠ્યાં છે. કુલ 2100થી વધુ સ્વયંસેવકોએ છેલ્લાં 6 મહિનાથી વધુ સમય મહેનત કરીને આ ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે.
મહોત્સવ સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે, જે પૈકી મુખ્ય પ્રવેશદ્વાર સંતદ્વાર તરીકે સૌથી વધુ કલાત્મક પ્રવેશદ્વાર 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભતા આ પ્રવેશદ્વારના વિશાળ ગવાક્ષોમાં ભારતના મહાન સંતોની 8 ફૂટ ઊંચી પ્રતિમાઓ દર્શન આપે છે.
મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલ પ્રમુખસ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારે તરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે.
દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હૂબહૂ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલ 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મના દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ – શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન શ્રી રાધા-કૃષ્ણ, ભગવાન શ્રી સીતા-રામ, ભગવાન શ્રી ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકો શ્રદ્ધા દૃઢાવશે.
મહોત્સવના વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં 180 ફૂટ પહોળા મંચ પર 300 થી વધુ કલાકાર બાળકો-યુવકો પ્રસ્તુતિ કરશે, જેને એક સાથે 20,000 કરતા વધુ પ્રેક્ષકો ખુલ્લા સભાગારમાં બેસીને માણી શકશે. મહોત્સવ સ્થળે ઉમટનારા લાખો દર્શનાર્થીઓની પાર્કિંગની વ્યવસ્થા માટે અઢી હજાર કરતા વધારે સ્વયંસેવકો ખડે પગે સેવા બજાવવા ઊભા રહેશે.
મહોત્સવ સ્થળે રચાયેલા 5 વિશાળ અને પ્રભાવક પ્રદર્શન ખંડોમાં પાંચ વિવિધ થીમ દ્વારા પ્રેરણાઓ આપવામાં આવશે. જેમાં टूटे हृदय, टूटे घर પ્રદર્શન પારિવારિક સંવાદિતાની દિશા ચીંધે છે. चलो, तोड दें ये बंधन પ્રદર્શન વ્યસનોના બંધનમાંથી મુક્ત થવાની પ્રેરણા આપે છે. मेरा भारत, हमारा भारत પ્રદર્શન ભારતના ગૌરવની વાત માંડે છે. संत परम हितकारी પ્રદર્શન પ્રમુખસ્વામી મહારાજની વિરલ પ્રતિભાનું દર્શન કરાવે છે.
મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે બી.એ.પી.એસ. બાળનગરી…
આ બાળનગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.