Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પરમ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી બાજુ વડોદરામાં પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિઓ તાજી થઈ રહી છે. જણાવી દઈએ કે આમ તો પ્રમુખ સ્વામી મહારાજ વડોદરા પાસેના ચાણસદ(Chansad) ગામના વતની, પણ સ્વામી બાપાએ બાળપણથી જ ઘર છોડી દીધેલું. વર્ષ 1983માં પ્રમુખસ્વામી મહારાજ વડોદરાના હરિભક્ત સિદ્ધાર્થભાઈ પટેલને ત્યાં 60 દિવસ માટે રોકાયા હતા.
સિદ્ધાર્થભાઈએ સ્વામી બાપાએ વાપરેલી તમામ વસ્તુઓ સાચવી રાખી છે અને તેમના ઘરમાં એક મ્યુઝિયમ બનાવ્યું છે, જેમાં સ્વામી બાપાનાં કપડાં, વાસણો, ચશ્માં, પૂજાની સામગ્રીથી લઈને તમામ 84 વસ્તુ મુકવામાં આવી છે. જોકે આ મ્યુઝિયમમાં લોકો જોવા માટે જઈ શકતા નથી.
મહત્વનું છે કે, સ્વામી બાપા જે રૂમમાં રોકાયેલા એ રૂમનું AC સિદ્ધાર્થભાઈએ 39 વર્ષથી બંધ કર્યું નથી, એટલે કે AC સતત 39 વર્ષ સુધી ચાલુને ચાલુ જ છે. પ્રમુખસ્વામી મહારાજ જેમના ઘરે રોકાયા હતા તે હરિભક્ત સિદ્ધાર્થભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, 1983માં સ્વામી બાપા અમારે ત્યાં 60 દિવસ માટે રોકાયા હતા. સ્વામી બાપાએ જે વસ્તુઓ વાપરી હતી એ તમામ અમારા દ્વારા સાચવી રાખવામા આવી છે અને એનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. સ્વામી બાપા જે રૂમમાં સૂતા હતા તે રૂમમાં તેમની ગાદલાં-પથારી હજી ત્યાંને ત્યાં જ રાખવામાં આવી છે. અમે તો માનીએ છીએ કે સ્વામી બાપા હજી અમારી સાથે જ છે.
મહત્વનું છે કે, વડોદરાના અક્ષરચોક નજીક રહેતા 67 વર્ષના સિદ્ધાર્થભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, 1983માં સ્વામી બાપાને હાર્ટ-એટેક આવ્યો હતો, જેથી આણંદ નજીક આવેલા સુંદરપુરા ગામથી સ્વામી બાપાને વડોદરાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને 17 માર્ચ-1983ના રોજ સ્વામી બાપા અહીં મારા ઘરે આરામ કરવા માટે પધાર્યા હતા અને પલંગ પર સ્વામી બાપા સૂતા હતા. અહીં સતત 60 દિવસ સુધી તેમણે વિશ્રામ કર્યો હતો. મંદિરમાં જે પ્રકારનો તેમનો રૂટિન હોય એવો જ રૂટિન અહીં રહેતો હતો.
બાપાના નિયમની વાત કરતા સિદ્ધાર્થભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, 5 ફેબ્રુઆરીના રોજ સ્વામી બાપાને હાર્ટ-એટેક આવ્યો અને 21મી માર્ચ અહીં ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતી હતી. સ્વામી બાપાનો સામાન્ય નિયમ એવો તો આ દિવસે હંમેશાં તેઓ નિર્જળા ઉપવાસ કરતા હતા, હાર્ટ-એટેક આવ્યાને તેમને 1 મહિનો અને 16 દિવસ જ થયેલા, પણ તેમણે નિર્જળા ઉપવાસ કરવાનો આગ્રહ રાખ્યો હતો. અમારા દ્વારા બહુ બધી વિનંતીઓ કરવામ આવી, પણ સ્વામી બાપા માન્યા જ ન હતા. અંતે મારા સસરા અને મારા પપ્પા સ્વામી બાપા પાસે વિનંતી કરવા માટે ગયા હતા, બાપાએ 1 ચમચી જેટલો ઉકાળો લીધો હતો. સ્વામી બાપાએ કહ્યું હતું કે, એક દિવસ દવા ખાધા વિના પણ લેવાશે અને દવા વગર પણ ચાલશે અને કંઈપણ થાય, પણ મારે મારો નિયમ તોડવો નથી.
વધુમાં સિદ્ધાર્થભાઈએ જણાવતા કહ્યું હતું કે, હાર્ટ-એટેક આવ્યા પછી પણ નિયમ અને સંયમમાં રહેવું એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. એ આમના જેવા દિવ્ય પુરુષનું જ કામ છે. આજે જે પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઊજવાઈ રહી છે, એનું એ જ કારણ છે કે આવા દિવ્ય પુરુષ આ સૃષ્ટિ પર ખૂબ જ ઓછા છે. કદાચ છે જ નહિ તેમ કહી શકાય. એટલા માટે જ આપણે પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી ધામધૂમથી ઊજવી રહ્યા છીએ.
સિદ્ધાર્થભાઈએ કહ્યું હતું કે, અમે અહીં રોજ આરતી અને દર્શન કરવા માટે આવીએ છીએ. સ્વામી બાપાની પ્રસાદીની વસ્તુઓ અહીં સંગ્રહિત કરવામાં આવી છે અને પ્રદર્શિત કરવામાં આવી છે અને 39 વર્ષથી અમે બાપાની આ બધી વસ્તુઓ સાચવી રાખી છે અને એની જાળવણી પણ કરવામાં આવે છે. સ્વામી બાપા જે રૂમમાં રોકાયેલા એ રૂમનું AC સિદ્ધાર્થભાઈએ 39 વર્ષથી બંધ કર્યું નથી.
સ્વામી બાપા પ્રથમવાર 1976માં અમારે ત્યાં પધાર્યા હતા અને ત્યારથી અમને તેઓએ સત્સંગમાં ખેંચ્યા હતા. 1980માં જ્યારે તેમની 60મી જન્મજયંતી ઊજવવાની હતી ત્યારે અમારા જૂના મકાનમાં તેઓ 4 દિવસ માટે રહ્યા હતા અને 1986માં સ્વામી બાપા ફરીથી અમારે ત્યાં પધાર્યા હતા. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 15 દિવસ અને જુલાઈ-ઓગસ્ટમાં 15 દિવસ માટે અમારા ઘરે રોકાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.