આજથી 70 વર્ષ પહેલા વિશ્વને ભેટ મળી હતી વિશ્વમાં હિંદુ ધર્મનો ડંકો વગાડનાર પ્રમુખસ્વામી મહારાજની

વિશ્વભરમાં હિંદુ ધર્મ અને ખાસ કરીને સ્વામિનારાયણ ધર્મને ફેલાવનાર પ્રમુખસ્વામી મહારાજનું નામ કદાચ જ કોઈ ભારતીય નહી જાણતું હોય. આજથી બરાબર ૭૦ વર્ષ પૂર્વે અડગ…

વિશ્વભરમાં હિંદુ ધર્મ અને ખાસ કરીને સ્વામિનારાયણ ધર્મને ફેલાવનાર પ્રમુખસ્વામી મહારાજનું નામ કદાચ જ કોઈ ભારતીય નહી જાણતું હોય. આજથી બરાબર ૭૦ વર્ષ પૂર્વે અડગ વિશ્વાસ અને અઢળક વ્હાલ ભરીને સંત વિભૂતિ શાસ્ત્રીજી મહારાજે BAPS સંસ્થાના પ્રમુખની જે ચાદર 28 વર્ષીય સ્વામીશ્રીને ઓઢાડી હતી, એમાં પ્રમુખ સ્વામીએ એકે ડાઘ પણ ના પડવા દીધો, બલ્કે ચાર ચાંદ લગાવી વિશ્વભરમાં સનાતન હિન્દુ સંસ્કૃતિની ધજારૂપે ફેલાવી દીધી ને બાલ વડીલ અમીર ગરીબ સહુને એમાં સમાવી લીધા. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ૨૮ વર્ષના નારાયણ સ્વરૂપ દાસને બી.એ.પી.એસ.ના પ્રમુખ તરીકે અમદાવાદના શાહપુર વિસ્તારની આંબલીવાળી પોળમાં ચાદર ઓઢાડી વરણી કરી હતી.

ભગવાન શ્રી સ્વામિનારાયણના અક્ષરપુરુષોત્તમની શુદ્ઘ ઉપાસના સિદ્ઘાંતના પ્રવર્તન માટે ઈ.સ. ૧૯૦૭ માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બી.એ.પી.એસ. સંસ્થાની સ્થાપના કરી હતી. અને આજથી ૭૦ વર્ષ પહેલા જેઠ સુદ ચોથના આ જ પરમ પવિત્ર દિવસે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે દીર્દ્યદ્રષ્ટિથી સ્થાપેલી આ વિરાટ ધર્મસંસ્થાના પ્રમુખ પદે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની વરણી કરેલી. યુગો સુધી સંસ્કૃતિની ભાગીરથીને વહાવનાર બી.એ.પી.એસ.ના ભવ્ય મંદિરોમાં આજનો દિન પ્રમુખવરણી દિન તરીકે ઉજવાય છે.

સન 1971માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે ગુરુપદે બિરાજમાન થયા ત્યારથી અસંખ્ય લોકોના આધ્યાત્મિક પ્રેરણામૂર્તિ બન્યા અને અસંખ્યના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સિંચી. ‘બીજાના ભલામાં આપણું જ ભલું છે…!’ – આ જીવનસૂત્ર સાથે અનેકવિધ સામાજિક સેવાકાર્યમાં સમગ્ર જીવન સમર્પિત કરીને તેઓ અસંખ્ય લોકોના તારણહાર બન્યા. લોકસેવા માટે જીવનભર પરિવ્રાજક રહીને તેઓ અવિરત 17,000થી વધુ ગામડાંઓ-નગરોમાં ઘૂમતા રહ્યા. અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ સમાં મંદિર સ્મારકો ઉપરાંત, જગતભરમાં 1,100થીય વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો અને લોકસેવાનાં ધામ સ્થાપ્યાં.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હોય કે ભારતના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન, સૌ કોઈ પ્રમુખ સ્વામી સાથેની મુલાકાત ઝંખતા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ કલામે તો પ્રમુખ સ્વામી મહારાજને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા હતા. તેમણે પ્રમુખ સ્વામી સાથેની મુલાકાત અને વાતચીત બાદ તેમના આધ્યાત્મિક સબંધો માટે પુસ્તક પણ લખ્યું હતું જેનું વિમ્ચન કરાવવા તેઓ ખુદ પ્રમુખ સ્વામી પાસે આવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પોતાના પથદર્શક અને પિતા સમાન માનતા હતા. રાજકારણ નો ઉંબરો નહોતા ચઢ્યા ત્યારથી પ્રધાનમંત્રી મોદી પ્રમુખ સ્વામી મહારાજની શીખવેલી વાત અને સલાહ લેતા આવ્યા હોવાની વાત ખુદ પ્રધાનમંત્રી મોદીએ જણાવી હતી.

ખ્રિસ્તી ધર્મના મુખ્ય પોપ હોય કે મુસ્લિમ ધર્મના કોઈ મોટા સાધુ, હિંદુ ધર્મના શંકરાચર્ય હોય કે બાબા રામદેવ હોય, તમામ પ્રમુખ સ્વામી મહારાજને સંત શિરોમણી ગણાવતા હતા.

બ્રહ્મ.સ્વ.પ્રમુખસ્વામી મહારાજ 13 ઓગસ્ટ 2016ના રોજ સાંજે દેહ ત્યાગ કર્યો. 17 ઓગસ્ટ 2016ના રોજ પ્રમુખસ્વામી મહારાજનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા હતા. તેમના બ્રહ્મલીન થાય બાદ BAPSના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર તરીકે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનું ધર્મ પરાવર્તન અને સામાજિક પરિવર્તનનું કાર્ય આગળ ધપાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *