ગણેશની ચેલેન્જ અને ગબ્બર ગોંડલમાં: હુમલાનો પ્રયાસ, અલ્પેશ કથીરિયાએ કહ્યું; ‘ આ ગોંડલ નથી આ મિર્ઝાપુર જ છે’

Alpesh Kathiriya in Gondal: થોડા સમય પહેલા ગણેશ જાડેજાના દ્વારા આપવામાં આવેલા પડકારના પગલે અલ્પેશ કથીરિયા પોતાના સમર્થકો સાથે ગોંડલ (Alpesh Kathiriya in Gondal) આવી પહોંચ્યા છે. ત્યારે ગણેશ ગોંડલના સમર્થકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અલ્પેશ કથીરિયાના કાફલાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાફલામાં રહેલી એક કાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. કાળા વાવટા દર્શાવી કથીરિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આજે અલ્પેશ કથીરિયા ગોંડલ આવી પહોંચ્યા છે. તેમની સાથે ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ પણ છે. કાફલો ગોંડલ પાસે પહોંચ્યો ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સમર્થકો દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શિત કરતા બેનરો ફરકાવ્યા હતા. તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કાફલામાં રહેલી કાર પર પણ હુમલો કરાયો હતો અને કારના કાચ તોડવામાં આવ્યા હતા.

કોઇને દબાવીને પોતાનું શાસન ન કરવું જોઇએઃ અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, જે ભઈનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે.સવાલ કોઈ સામે જ નથી. મારી એક જ વાત છે કે કોઈપણ વ્યક્તિએ કોઈપણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ. આ કોઈપણ કારણોસર અમે ચલાવી નહી લઇએ.

ગાડીઓના કાચ તોડવામાં આવ્યા, પોલીસ શું કરે છેઃ ધાર્મિક માલવિયા
ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, આ રીતે બેફામ ગાડીઓ તોડવામાં આવી રહી છે. ત્યારે પોલીસતંત્ર શું કરી રહ્યું છે. પોલીસ તંત્ર બે તરફી વલણ અપનાવી રહી છે કોઈ પ્રકારની સિક્યુરિટી કે કશું નથી. અહિયા આપ્રકારના વિરોધનું આયોજન હોય આ ગુજરાત બહારનું કોઈ નથી.

‘આ ખરેખર ગોંડલ નથી મિર્જાપુર છે’ અલ્પેશ કથીરિયા
ગોંડલ પહોંચેલા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, લોકશાહીમાં વિરોધ થવો જોઈએ પરંતુ જે રીતે હિંસકગીરી થઈ રહી છે. રેલીને રોકવાનો, લોકોને માર મારવાનો, ગાડીઓ પર હુમલો કરવાનો, તો જે ખરેખર ગોંડલ મિર્ઝાપુર હતું, તે આજે સાબિત થઈ રહ્યું છે. અહીંયા કામ જ ગુંડાગર્દીનું કરે છે. ત્યારે આ જોતા જ એવું લાગે છે કે ખરેખર આ ગોંડલ નથી, પરંતુ ગુજરાતનું મિર્જાપુર છે.જ્યાં જનતા ડરના ઓથ નીચે જીવી રહે છે.

બેનરો ફરકાવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો
ગોંડલ પહોંચ્યા બાદ અલ્પેશ કથીરિયા, જીગીશા પટેલ અને ધાર્મિક માલવિયા આશાપુરા મંદિર ખાતે દર્શનાર્થે ગયા હતા. આશાપુરા મંદિરે માતાજીના દર્શન કરી તેમણે ગોંડલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓ અક્ષર મંદિર પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાનો કાફલો અક્ષર મંદિર પહોંચ્યો ત્યારે ગોંડલના શહેરીજનો તથા ગોંડલ તાલુકાના ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગોંડલમાં સર્વજ્ઞાતિ એકજૂથ હોવાનું જણાવી અલ્પેશ કથીરિયાનો વિરોધ પ્રદર્શિત કરતા બેનરો ફરકાવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.

દરેક જ્ઞાતિનાં લોકો એકઠા થયા
પાટીદાર અનામત આંદોલન (PAAS)ના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયાના વિરોધમાં આજે ગોંડલ તાલુકાના રીબડા ગામે દરેક જ્ઞાતિનાં લોકો એકઠા થયા હતા. તેઓ હાથમાં કાળા વાવટા અને વિરોધ દર્શાવતા પોસ્ટરો સાથે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર એકત્ર થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ કથીરિયાનો વિરોધ કરતાં લોકોએ જણાવ્યું હતું કે, ગોંડલમાં કોઈ જ્ઞાતિવાદ છે જ નહીં. જ્યારે પણ ગણેશભાઈ પાસે જઈએ ત્યારે પણ ન્યાય મળે છે.

એટલું જ નહીં ગણેશ જાડેજના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે પ્રદર્શનકારીઓએ હાઈવે પર ઠેરઠેર વિરોધ કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિકને અસર પહોંચી હતી. બિલિયાળા ગામ પાસે પણ મોટી સંખ્યામાં લોકોનું ટોળું કાળા વાવટા સાથે ભેગું થયું હતું અને અલ્પેશ કથીરિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.