ડુંગળી સમારતી વખતે આંખમાંથી આંસુ આવતા હશે ને ? પણ આજકાલ તો ડુંગળીની તીખાશ નહીં તેના વધેલા ભાવ રડાવી રહ્યા છે. આજકાલ તો ડુંગળીના ભાવની ચર્ચા માત્ર ગૃહિણી જ નહીં દરેક મોંઢે સાંભળવા મળે છે. ડુંગળી એવી વસ્તુ છે જેના વિના થાળીમાં કંઈ ખૂટે છે તેવું લાગે. પરંતુ ડુંગળીના ભાવ છેલ્લા થોડા મહિનામાં એટલા વધી ગયા છે કે તે હવે ગરીબોની કસ્તૂરી રહી નથી. લંબાયેલી વરસાદી ઋતુના કારણે હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત છૂટક બજારમાં ડુંગળીનો ભાવ લગભગ 140 રૂપિયે કિલો છે. ગુજરાતી થાળીમાંથી જાણે સ્વાદ ગાયબ જ થઈ ગયો છે કારણકે, લસણ 300 રૂપિયે કિલો અને આદુ 160 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે.
ચાલુ વર્ષે ડુંગળી અને બટાકાના ભાવમાં જ વધારો થયો હોય તેમ નથી. ચાલુ વર્ષે 22 આવશ્યક ખાદ્ય ચીજોમાંથી 20 વસ્તુઓના ભાવમાં વધારો થવા પામ્યો છે તેમ સરકારે લોકસભામાં જણાવ્યું હતું.ડુંગળી, બટાકાના ભાવમાં થયેલા વધારાના કારણે દેશભરમાં વસ્તુઓ ના ભાવ ચર્ચાનું કારણ બની ગયું છે અને સાથે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવા પામ્યા છે. ડુંગળીના વધતા ભાવને અંકુશમાં લાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરાયા હોવા છતાં આજ દિન સુધી ડુંગળીના ભાવ ઊંચા જ છે.
ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આજે લોકસભામાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ડુંગળીના ભાવ વધવાની સાથોસાથ 22 આવશ્યક ખાદ્ય ચીજોમાંથી 20 વસ્તુના ભાવમાં વધારો થવા પામ્યો છે. તે ઉપરાંત તેમણે કહ્યું કે, ખાદ્યચીજોનાં આધાર માંગ અને પુરવઠા પર હોય છે. ખરાબ વાતાવરણને કારણે ઉત્પાદનમાં કાપ, પરિવહન ખર્ચમાં વધારો, સ્ટોરેજ સમસ્યાને કારણે વખતોવખત ખોરવાતી સપ્લાય ચેઇન, સંગ્રહાખોરીને કારણે કૃત્રિમ ભાવવધારા જેવા અનેકવિધ કારણોને પાછળ જવાબદાર કરતાં હોય છે. આ ડેટા જોતા માલુમ પડે છે કે માત્ર ડુંગળી અને બટાકા જ નહીં, પરંતુ તુવેર, અડદ અને મગની દાળના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
લોકસભાને માહિતી આપતા ગ્રાહક બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે, માંગ અને પુરવઠા વચ્ચેનો ગેપ વધી જતા ભાવમાં વધારો થવા પામ્યો છે. આ ઉપરાંત, ખરાબ હવામાન, પરિવહન ખર્ચમાં વધારો, સંગ્રહનો અભાવ તેમજ કાળા બજારના કારણે પણ વિવિધ જણસોના ભાવમાં વધારો થયો છે. દેશના કેટલાંક ભાગોમાં ડુંગળીનાં ભાવ રૂ. 200ને આંબી ગયા છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ડુંગળી 18 રૂપિયા કિલો હતી જેનો ડિસેમ્બરમાં સરેરાશ ભાવ રૂપિયા 81 જેટલો છે. અડદ દાળની કિંમત વધીને કિલો દીઠ 100 રૂપિયા નજીક પહોંચી છે. જે સપ્તાહ અગાઉ 72 રૂપિયા હતી.
તુવેર અને મગ દાળમાં પણ 15 થી 20 ટકાનો વધારો થયો છે. જ્યારે બટેટા 40 ટકા મોંઘા થઇ ગયા છે. ઘઉં અને ચોખાનો મબલખ પાક હોવા છતાંય તેના ભાવમાં 10 ટકા સુધીનો વધારો થવા પામ્યો છે. આમ, ચાલુ વર્ષે માત્ર ડુંગળી-બટાકા જ નહીં પરંતુ જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવા પામ્યો છે.
આર્થિક સ્લોડાઉન-મંદીનો સરકાર સામનો કરી જ રહી છે તેવા સમયે આવશ્યક ચીજોનો ભાવવધારો સરકાર માટે નવો પડકાર ઉભો કરી શકે છે.
પેટ્રોલ-ડિઝલના ભાવ વર્ષની ઊંચી સપાટીએ
ડુંગળી સહિતની ચીજોમાં અસાધારણ ભાવવધારાથી સરકાર ભીંસમાં છે જ્યારે હવે પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ સતત વધતાં હોવાથી મોંઘવારીનું દબાણ સર્જાવાની આશંકા વ્યક્તક રવામાં આવી રહી છે. આજે પાટનગર દિલ્હીમાં પેટ્રોલ-ડિઝલનાં ભાવ ચાલુ વર્ષની સૌથી ઊંચાઈ પહોંચી ગયા હતા. આ પેટ્રોલનો ભાવ રૂ. 75 થયો હતો. જ્યારે ડિઝલનાં રૂ. 66.04 હતા. ચાલુ વર્ષનો આ સૌથી ઉંચો ભાવ છે. રાજકોટ-ગુજરાતમાં જો કે પેટ્રોલિયમ ચીજોમાં કોઇ ખાસ બદલાવ થયો નથી, રાજકોટમાં પેટ્રોલ રૂ. 72.18 તથા ડીઝલ રૂ. 68.97 હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.