પ્રધાનમંત્રી મોદીના જીવનના રાજ ખુલ્યા- ગરીબીમાં પણ ગૌમાતાને ઘીમાં બોળેલી રોટલી ખવડાવતા હતા

હાલમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) ગુજરાત(Gujarat)ના પ્રવાસે છે. PM મોદીના માતા હીરાબા 100 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને આ પ્રસંગે નરેન્દ્ર મોદી ખાસ તેમના ઘરે આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. સાથે સાથે નરેન્દ્ર મોદીના ઘણા એવા રાજ છે જે કદાચ આજદિન સુધી કોઈએ સાંભળ્યા જ નહી હોય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું જાહેરમાં મારાં તમામ ગુરુજનોનું સન્માન કરવા ઇચ્છતો હતો. હું વિચારતો હતો કે, જીવનમાં મારી સૌથી મોટી ગુરુ મારી માતા છે અને મારે તેમનું પણ સન્માન કરવું જોઈએ. આપણા ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયો છે કે, માતાથી મોટો કોઈ ગુરુ નથી – ‘નાસ્તિ માત્ર સમો ગુરુઃ.’ મેં મારી માતાને કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી કરી હતી, પણ તેમણે ઇનકાર કર્યો હતો. તેમને મને કહ્યું હતું કે, “જો ભાઈ, હું સાધારણ વ્યક્તિ છું. મેં તને જન્મ આપ્યો છે, પણ સર્વશક્તિમાન ઈશ્વરે તારું ઘડતર કર્યું છે, તને શીખવ્યું છે અને તારું લાલનપાલન કર્યું છે.” મારા તમામ શિક્ષકોનું એ દિવસે સન્માન થયું હતું, એક મારી માતા સિવાય.

PM મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે, આજે પણ મારી માતાના નામે કોઈ સંપત્તિ નથી. મેં ક્યારેય તેમને સોનાનાં ઘરેણા પહેરતાં જોયા નથી અને તેમને તેમાં રસ પણ નથી. અગાઉની જેમ તેઓ તેમના એક નાના રૂમમાં સરળ જીવન જીવે છે.

વધુમાં પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે, મારી માતાને અન્ય જીવો માટે હંમેશા વિશેષ લાગણી અને લગાવ રહ્યો છે. તેઓ દરેક પશુપંખીની સારસંભાળ રાખે છે. દર ઉનાળામાં તેઓ પક્ષીઓ માટે પાણીનું પાત્ર મૂકે છે. તેઓ મને કહેતા હતા કે, અમારા ઘરની આજુ બાજુ ફરતાં કૂતરાં ક્યારેય ભૂખ્યાં પાછા ન જાય. જ્યારે મારા પિતા ચાની કિટલીએથી(ચાની લારી) પરત ફરે, ત્યારે મલાઈ લઈને આવતા હતાં. મારી માતા તેમાંથી સ્વાદિષ્ટ ઘી બનાવતાં હતાં. આ ઘીનું સેવન અમે જ નહીં પણ અમારી આજુ બાજુમાં રહેતી ગાયો પણ કરતી હતી. મારી માતા દરરોજ આ ઘીમાં બોળેલી રોટલીઓ ગાયને ખવડાવતાં હતા. તેઓ ગાયને સૂકી રોટલીઓ ખવડાવવાને બદલે પ્રેમથી ઘરમાંથી બનેલા ઘી લગાવેલી રોટલીઓ આપતાં હતાં અને ખવડાવતા હતા.

નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં આગળ લખ્યું છે કે, મારી માતા અનાજનો એક પણ દાણાનો બગાડ ન થાય એનું ધ્યાન રાખતાં હતાં. જ્યારે તેઓ અમારા પડોશમાં લગ્નમાં જમવા જાય, ત્યારે અમને બિનજરૂરી કોઈ ચીજ ન લેવાનું યાદ અપાવતાં. ઘરમાં એક નિયમ હતો – જેટલું ભોજન કરી શકો એટલું જ લેવું. આજે પણ માતા જેટલું ભોજન કરી શકે એટલું જ થાળીમાં લે છે અને તેમની થાળીમાં એક પણ કોળિયાનો બગાડ જોવા ન મળે. તેઓ સમયસર જમે અને ભોજનને બરોબર પચાવવા એને સારી રીતે ચાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *