શાળા બની અખાડો! પ્રિન્સિપાલે શિક્ષકને ઓફિસમાં જ ઢીબી નાંખ્યો, જુઓ CCTV વિડીયો

Bharuch School Video: ભરૂચ જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે. જંબુસરની શાળામાં આચાર્યએ શિક્ષકને ઢોર માર માર્યો (Bharuch School Video) હોવાની ઘટના બની છે. આચાર્યએ એક મિટિંગ બોલાવી હતી. જેમાં શિક્ષક અને આચાર્ય વચ્ચે બબાલ થઈ હતી. જેથી ગુસ્સામાં આવીને આચાર્યએ શિક્ષકને 20થી વધુ ફડાકા ઝીંકી ધીધા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ટ્રસ્ટીઓએ આચાર્યને ફરજ મોકૂફ કર્યા છે.

બાળકોને અપશબ્દો બોલતા હોવાની ફરિયાદો મળી
આ અંગે મળતી માહિતી મુજબ જંબુસર શહેરની નવયુગ વિદ્યાલયમાં હિતેન્દ્રસિંહ ઠાકોર આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમની શાળામાં રાજેન્દ્રસિંહ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમને એક હાથમાં પેરાલિસિસ હોય તેઓ એક હાથથી જ બાળકોને અભ્યાસ કરાવે છે. જોકે, રાજેન્દ્રસિંહ પરમાર વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ નહી કરાવતા હોય અને ક્લાસમાં ધ્યાન નહીં આપીને બાળકોને પણ અપશબ્દો બોલતા હોવાની ફરિયાદો મળી હોવાના આક્ષેપ પ્રિન્સિપાલ હિતેન્દ્રસિંહે કર્યા હતાં.

બબાલ થતાં આચાર્યએ શિક્ષક પર લાફા વાળી કરી
આ મામલે આચાર્યએ તેમની ચેમ્બરમાં એક મીટિંગમાં અન્ય શિક્ષકો સાથે રાજેન્દ્ર પરમારને પણ બોલાવી વાતચીત કરી હતી. જેમાં કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થતાં સમગ્ર મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આચાર્ય હિતેન્દ્રસિંહે પોતાની ખૂરશી પરથી ઊભાં થઈને રાજેન્દ્રસિંહ પર લાફા વાળી શરૂ કરી દીધી હતી. એક બે કે ત્રણ નહીં પણ 20થી વધુ ફડાકા ઝીંકી દીધા હતા. જોકે, અન્ય શિક્ષકોએ તેમને છોડાવ્યાં હતાં.

શિક્ષકને બેન્ચ પરથી નીચે પાડી દીધા
20 જેટલા ફડાકા માર્યા બાદ આચાર્ય ટેબલ પર જઈને બેસી ગયા હતા. જે બાદ પુનઃ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી આચાર્યે ફરીથી આવીને શિક્ષકને બેન્ચ પરથી નીચે પાડી દીધા હતા. જે બાદ શિક્ષકને ખેંચીને જોરદાર માર માર્યો હતો. આ મામલે જંબુસર પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે. પોલીસે પણ અરજી મુજબ તપાસ શરૂ કરી છે.

આચાર્યને ફરજ મોકૂફ કર્યા
આ ઘટનામાં શાળાના ટ્રસ્ટીઓએ હાલમાં આચાર્યને ફરજ મોકૂફ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેઓ બંને વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું હતું કે, હાલમાં જ આ ઘટનાં અમારા ધ્યાનમાં આવી છે જેની અમારા દ્વારા તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.