160 ટ્રેનો રદ, 200 રસ્તાઓ જામ: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ; જાણો મામલો

Punjab Bandh Today: પંજાબ-હરિયાણાની શંભુ અને ખન્નૌરી બોર્ડર પર પાકની MSPની કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓ માટે ખેડૂતોએ આજે પંજાબ બંધનું એલાન (Punjab Bandh Today) કર્યું છે. ખેડૂતોના પ્રદર્શનમાં પાનબસ પીઆરટીસી વર્કર યુનિયનના કર્મચારીઓ તેમજ અન્ય ખેડૂત સંગઠનોએ પણ પંજાબ બંધને સમર્થન આપવાની વાત કરી છે.

200 રોડ પર ચક્કાજામ, 160 ટ્રેન રદ
પંજાબમાં આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન છે. આ વિરોધને કારણે 163 ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે જ્યારે 19 ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે. તેમજ બસો દોડશે નહીં, દૂધ પુરવઠો, શાકભાજીનો પુરવઠો, તમામ બજારો, ગેસ એજન્સીઓ, પેટ્રોલ પંપ, ખાનગી વાહનો પણ બંધ રહેશે. એસજીપીસીએ પણ બંધને સમર્થન આપ્યું છે.

પંજાબ બંધમાં દુકાનો અને વેપારી સંસ્થાઓનું પણ સમર્થન
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેમને તમામ વર્ગોનું સમર્થન છે. દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહેશે. ટ્રેન અને બસ સેવાને પણ અસર થશે. બસ સેવા પણ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. ખેડૂતો અને દૂધવાળાઓએ પણ બંધના સમર્થનમાં શાકભાજી અને દૂધનું સપ્લાય બંધ કરવાનો નિર્ણય લીધો છે.

SGPC કાર્યાલયો અને સંસ્થાઓ પણ સમર્થનમાં બંધ
જો કે, પંઢેરે જણાવ્યું હતું કે બંધ દરમિયાન કોઈપણ ઇમરજન્સી સેવાઓ ખોરવાશે નહીં. બંધ શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે. તેમજ SGPCએ પણ ખેડૂતોની હડતાળના સમર્થનમાં તેની ઓફિસો અને સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. ખેડૂત આગેવાનોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકોને ખન્નૌરી અને શંભુ બોર્ડર પહોંચવા હાકલ કરી હતી. ખેડૂત નેતા પંઢેરે જણાવ્યું હતું કે તેમના વતી ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સુપ્રીમ કોર્ટના જજને છેલ્લા 34 દિવસમાં પત્રો લખવામાં આવ્યા છે, પરંતુ કોઈએ તેમની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી અને વાટાઘાટો કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.

આજે 4 કલાક બસ સેવા પણ બંધ, 577 રૂટને થશે અસર
પનબસ અને PRTC યુનિયનોએ પણ બંધને સમર્થન આપ્યું છે. જેથી સોમવારે સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી ચાર કલાક સુધી સરકારી બસો દોડશે નહીં. પંજાબ બંધને લઈને યુનિયનની બેઠક યોજાઈ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

યુનિયનના પ્રમુખ રેશમ સિંહે કહ્યું કે, ‘ખેડૂતોએ સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પંજાબ બંધનું એલાન આપ્યું છે, પરંતુ આખા દિવસની હડતાળ શક્ય નથી. અમે લોકોને પરેશાન કરવા માંગતા નથી. આ કારણથી હું ખેડૂતોને ચાર કલાક સમર્થન આપીશ.’ PRTC પંજાબ અને અન્ય રાજ્યોમાં 577 રૂટ પર બસો ચલાવે છે. જેની અસર આ સમયગાળા દરમિયાન થશે. આ બસો પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરાખંડને આવરી લે છે. PRTC પાસે 9 ડેપો છે જ્યાંથી આ બસો દોડશે નહીં.