સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું: માત્ર ચાર કલાકમાં 14 ઇંચ ખાબક્યો વરસાદ, જળબંબાકારનો જુઓ વીડિયો

Surat Heavy Rain: ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં મળસ્કેથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં ઉમરપાડામાં 15 ઈંચ વરસાદ(Surat Heavy Rain) ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. નદી-નાળાઓ છલકાઈ ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ચાર કલાકમાં ઉમરપાડામાં 13.88 ઇંચ વરસાદ નોંધાયો
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉમરપાડામાં આજે સવારે 6થી 8 કલાકમાં 100 એમએમ એટલે ચાર ઇંચ જ્યારે 8થી 10 કલાકમાં 247 એમએમ એટલે 9.88 ઇંચ વરસાદ નોંધાયો છે. આ માહિતી પ્રમાણે આજે સવારે 6થી 10 વગ્યા સુધીમાં એટલે કે, ચાર કલાકમાં ઉમરપાડામાં 13.88 ઇંચ વરસાદ નોંધાયો છે.

નર્મદાના ગરૂડેશ્વરમાં સવારે 2 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો
રાજ્યમાં 20 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે તા. 15 જુલાઈની સવારથી ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડામાં સવારે 10 વાગ્યા સુધીમાં 15 ઈંચ વરસાદ પડતાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મોહન નદી, વરેહ નદી બે કાંઠે વહેતી થઈ છે.લોકો સવારે ઉઠે તે પહેલાં જ ઘરોની બહાર, શેરી-મહોલ્લામાં સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા. તેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉમરપાડા ઉપરાંત ભરૂચના નેત્રંગમાં 5 ઈંચ અને નર્મદાના ગરૂડેશ્વરમાં સવારે 2 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે.

ભરૂચમાં પાંચ ઇંચ વરસાદ
ભરૂચ જિલ્લામાં વાલિયા અને નેત્રંગના સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. નેત્રંગમાં નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા છે. વરસાદના પગલે અમરાવતી નદી બે કાંઠે થઈ છે. ભરૂચમાં જિલ્લામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. નેત્રંગ માંડવી રોડ સંપર્ક વિહોણો થયો છે. ભારે વરસાદને પગલે નેત્રંગ પોલીસ અને મામલતદાર કોઈપણ અઘટિત ઘટના ન ઘટે તે માટે એલર્ટ થયા છે.