જામનગર(ગુજરાત): ગુજરાત(Gujarat)માં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તેવામાં જામનગર(Jamnagar)માં ભારે વરસાદને કારને પુરની સ્થિતિ સર્જાઈ છે. જામનગરમાં જાણે કે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય તેમ રવિવાર(Sunday) રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. જલપ્રલયને કારણે જામનગરનું ધુંવાવ(Dhunvav) ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને 24 કલાકના જળતાંડવે ભારે તબાહી નોતરી છે.
પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોએ રડતી આખે જણાવ્યું હતું કે, પાણી આવી ગયું અને ઘર ધોવાઈ ગયું હતું. તમામ ઘરવખરી પાણીમાં વહી ગઇ છે. જીવન પૂર્વવત થાય એ માટે ગ્રામજનો ત્વરિત ધોરણે સહાય કરવામાં આવે તેવી અરજ કરી છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ગામની મુલાકાત લઇ ત્યાંની સ્થિતિનો તાગ મેળવવાના હોવાના અહેવાલ છે. જેને લઇને ગામમાં જનપ્રતિનિધિઓ પહોંચી રહ્યા છે.
ઓછા વરસાદે તારાજ થયું ધુંવાવ
જામનગરમાં અલિયાબાડા અને કાલાવડના ધોધમાર વરસાદના પાણી ધુંવાવ ગામમાં ફરી વળ્યા હતા. બીજી બાજુ દરિયામાં ભરતી હતી અને તેના કારણે પાણી ગામ તરફ આવતું હતું. તેથી આ ગામમાં પાણીનો દરિયા તરફ નિકાલ ન થતાં ઓછા વરસાદે પણ આ ગામ તારાજ થઇ ગયું હતું.
ઘરોમાં કાદવ જામી ગયા
સ્થળ નિરીક્ષણ કરતા જોવા મળ્યું કે, ગામના મોટાભાગના ઘરોમાં વરસાદી પાણીના ભરાઈ જવાના કારણે ઘરોમાં પણ કાદવ જામી ગયા છે. પૂરના પાણીથી ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે. ગામના રસ્તાઓ પણ નજર ફેરવો તો નુકસાનીના મંજર જોવા મળી રહ્યાં છે. ધુંવાવ તાલુકા શાળા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. શાળા કાદવથી ખદબદી રહી છે. ગ્રામજનો ભયાવહ માહોલમાંથી બહાર આવી પોતાના જીવનને પુનઃ ધબકતું કરવા માટે કામે લાગી ગયા છે અને જાતે જ ગામમાં સફાઈ કામગીરી શરૂ કરી દીધી છે.
અનેક પશુઓ તણાયાં
આ ઉપરાંત, ગ્રામજનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક ખુબ જ ભયાનક હતા. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી હતું. પાણીના કારણે અનેક પશુઓ પણ તણાઇ ગયા છે. તો કેટલાક પશુઓ બાંધેલા હોવાથી એ જ અવસ્થામાં મોતને ભેટ્યા છે. તેમજ ખેતરો પણ નદીમાં ફેરવાઈ ગયા છે.
અમારું બધુંય ધોવાઈ ગયું: પૂરપીડિત
ગામના રહેવાસી આશિષભાઈએ જણાવ્યું હતું કે, ગઇકાલે ભયાનક પૂર આવ્યું હતું. પૂરના પાણીમાં ઘર ડૂબી ગયા હતા. આસપાસની પાળીઓ તૂટી ગઇ હતી. આખેઆખા ઘર ધોવાઈ ગયા છે. અમારુ બધુય ધોવાઈ ગયું છે. ખાવા પિવાનુ બધુ પલળી ગયું છે. બધુ પાણીમાં જતું રહ્યું. ઘર વખરી બધી પાણીમાં વહી ગઇ છે.
75 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ હતો
વધુમાં જાણવા મળ્યું છે કે, આ પૂરમાં 75 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. લગભગ ગામના મોટાભાગના ઘરોમાં 5થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. લોકોની ખાવા-પીવાની, ઘરવખરી તમામ વસ્તુ પલળી ગઇ છે. ભયંકર નુકસાન થયું છે. રસ્તા બધા ધોવાઈ ગયા છે. ખેતીને મોટું નુક્સાન થયું છે. 100 ટકા ખેતી પાણીમાં ડૂબી ગઇ હતી. જમીનો અને ખેતી ધોવાઈ ગઇ છે.
સોસાયટીનાં તમામ ઘરોમાં 6-6 ફૂટ પાણી હતું
હસમુખ કણજારિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગામતળ સિવાયની આજુબાજુની સોસાયટી આવેલી છે. જેમાં પોણું ગામ વસેલું છે. આ સોસાયટીના તમામ ઘરોમાં 6-6 ફૂટ પાણી હતું. લોકો છત પર જતા રહ્યા હતા. ઘરવખરીને ખૂબ નુકસાન થયું છે. કેટલાય ઢોર પણ તણાઇ ગયા છે. કેટલાક બાંધેલા ઢોર મૃત્યુ પામ્યા છે. આ ગામને સહાય આપવાની જરૂર છે. તાત્કાલિક સર્વે કરાવી મદદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અત્યારે માણસો કાલના પૂરમાંથી કેવી રીતે બહાર નીકળવું તેમાં બધા લાગી ગયા છે. દરેક ગ્રામજનોએ કામધંધા છોડીને સામાન્ય જીવન પુર્વવત થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઉપરાંત, બે દિવસથી લાઈટની સમસ્યા છે. જેથી લાઈટની વ્યવસ્થા ઝડપથી થાય તેવી રજૂઆત છે.
છથી સાત કલાક સુધી સખત પાણી ગામમાં રહ્યું હતું
અન્ય એક પૂરગ્રસ્ત રહેવાસી નાથીબેન પરમારે જણાવ્યું છે કે, ઓચિંતાનું પાણી આવી ગયું હતું અને છ થી સાત કલાક સુધી પાણી ગામમાં રહ્યું હતું. આટલા વર્ષોમાં કયારેય આટલું પાણી ગામમાં આવ્યું નથી. બે વિસ્તાર પાણીમાં એવા ગરકાવ હતા કે ત્યાંથી કોઇ સંજોગે નીકળી શકાય તેમ ન હતું. આ ઉપરાંત, કોઇ રસોઇ કરી શકે તેમ નથી. અમે ગામમાં વ્યવસ્થા કરીને લોકોને જમાડી રહ્યાં છીએ. ગામમાં લાઈટ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.