બેવડી ઋતુના માર વચ્ચે ઉભો થયો નવો જ ખતરો, ગુજરાતમાં ગરમીની ભયંકર આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમીનો પારો (Gujarat Weather Forecast) હાઈ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

આગામી ત્રણ દિવસ આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી
રાજ્યમાં આજે બુધવારે (2 એપ્રિલ, 2025) હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવનું યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે.

6-7-8 એપ્રિલ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત કાળઝાળ ગરમીની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે આગામી 6-7-8 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આવતીકાલે આ જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાત રાજયના વલસાડ, નવસારી, નર્મદા, તાપી, સુરત, ડાંગ, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, મહિસાગર, પંચમહાલ, ભરૂચ, અમરેલી, વડોદરા, આણંદ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ 3 એપ્રિલ સુધી હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.

IMDએ આપી ભયંકર ચેતવણી
કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેટલીક જગ્યાએ ગરમીનું મોજું, ઝરમર વરસાદ અને ગરમી જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં ઝડપથી વધારો થયો છે. આગામી દિવસોમાં ગરમી પોતાનો પ્રકોપ બતાવી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 2-3 દિવસમાં UP, દિલ્હી-NCR, બિહાર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં તાપમાન વધુ વધશે. આગામી 24 કલાક દરમિયાન વિદર્ભ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઘણી જગ્યાએ તોફાન સાથે વીજળી પડવાની ચેતવણી પણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.