કાતિલ ઠંડી વચ્ચે ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી, જાણો વિગતે

Rainfall forecast in Gujarat: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારે બરફ વર્ષા થઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વહેલી સવાર ગાઢ ધુમ્મસની ચાદર પણ છવાયેલી રહે છે. ગુજરાતને (Rainfall forecast in Gujarat) અડીને આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મિર જેવો માહોલ છે. અહીં તાપમાન માઈનસમાં પહોંચતા બરફની સફેદ ચાદર છવાઈ હતી. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.

ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો, નલિયામાં 8.5 ડિગ્રી
ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યમાં સરેરાશ 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે બુધવારના દિવસે ગુજરાતમાં 8.5 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.

જેમાં 8.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 9.4 ડિગ્રી, અમરેલીમાં9.7 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ફરી બે ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું
ગુજરાતમાં એક તરફ ગાત્રો થીજવથી ઠંડી પડી રહી છે તો બીજી તરફ અમદાવાદ શહેરમાં બે ડિગ્રી તાપમાન ઉચકાયું હતું. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારે દિવસ દરમિયાન અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે મંગળવારે 12.7 ડિગ્રી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મંગળવારે એક જ દિવસમાં 5 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. મંગળવારે અમદાવાદમાં 12.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે સોમવારે 17.8 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં બે દિવસ પવન સાથે માવઠાંની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ એટલે કે 27 અને 28 ડિસેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 27 અને 28 ડિસેમ્બર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી અને દમણમાં વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંક સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ અને કચ્છમાં પણ માવઠાની આગાહી છે.