સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ 6 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો આ દોષિતો સામે અન્ય કોઈ કેસ નથી, તો તેમને છોડી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું છે કે જો રાજ્યપાલે લાંબા સમયથી આના પર કાર્યવાહી નથી કરી તેથી અમે આ નિર્ણય લઇ રહ્યા છીએ. કોર્ટે કહ્યું કે આ કેસમાં દોષિત ઠરેલા પેરારીવલનની મુક્તિનો આદેશ બાકીના દોષિતોને પણ લાગુ પડશે. આ વર્ષની શરૂઆતમાં મે મહિનામાં સુપ્રીમ કોર્ટે પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
આ 6 દોષિતોને મુક્ત કરવામાં આવશે
રાજીવ ગાંધી હત્યા કેસમાં નલિની, રવિચંદ્રન, મુરુગન, સંથન, જયકુમાર અને રોબર્ટ પોયેસને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં પેરારીવલનને પહેલા જ છોડી દેવામાં આવ્યો છે. 18 મેના રોજ, સુપ્રીમ કોર્ટે પેરારીવલનને જેલમાં તેમના સારા વર્તન માટે છુટા કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ એલ નાગેશ્વરની બેન્ચે કલમ 142નો ઉપયોગ કરીને આ આદેશ આપ્યો હતો.
21 મે 1991ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન તમિલનાડુમાં આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેને એક મહિલાએ માળા પહેરાવી હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. આ કેસમાં કુલ 41 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 12 લોકોના મોત થયા હતા અને ત્રણ નાસી છૂટ્યા હતા. જ્યારે બાકીના 26 પકડાયા હતા.
તેમાં શ્રીલંકન અને ભારતીય નાગરિકો હતા. ફરાર આરોપીઓમાં પ્રભાકરન, પોટ્ટુ ઓમ્માન અને અકિલાનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે ટાડા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સાત વર્ષની કાનૂની કાર્યવાહી બાદ 28 જાન્યુઆરી 1998ના રોજ ટાડા કોર્ટે હજાર પાનાનો ચુકાદો આપ્યો હતો. જેમાં તમામ 26 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
19 દોષિતોને પહેલા જ છોડી દેવામાં આવ્યા
આ નિર્ણય ટાડા કોર્ટનો હતો તેથી તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ટાડા કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાયો નથી. એક વર્ષ બાદ સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે સમગ્ર નિર્ણયને પલટી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 26માંથી 19 દોષિતોને નિર્દોષ જાહેર કર્યા હતા. માત્ર 7 દોષિતોની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી હતી. બાદમાં તેને આજીવન કેદમાં બદલી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.