રાજકોટ/ સબંધોને લાંછન લગાવતો કિસ્સો: કાકા-ભત્રીજાએ જ દુષ્કર્મ આચરી સગીરાને બનાવી સગર્ભા, જન્મેલા બાળકને વેચી નાખ્યું

Rajkot News: રાજકોટ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓના અપહરણના ગુના અને છેડતી તેમજ દુષ્કર્મની(Rajkot News) ફરિયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. ત્યારે જસદણના દેવપરા ગામે રહેતા એક પરિવારની સગીરા પર કૌટુંબીક કાકા-ભત્રીજાએ દુષ્કર્મ ગુજાર્યુ હતું આ બનાવમાં 13 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેમને હોસ્પિટલે લઈ જવાતા સગીરા ગર્ભવતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

કૌટુંબિક કાકા અને 2 કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ કર્યું
જસદણ પોલીસ મથકે સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની ભોગ બનનાર દીકરી 13 વર્ષ 5 મહિનાની છે. એકાદ વર્ષ પહેલાં તેની દીકરીને આરોપી કૌટુંબિક કાકા અને 2 કૌટુંબિક ભાઈએ એમ ત્રણ આરોપીએ બળજબરી કરી હતી. સગીરાએ વિરોધ કરતાં તારા નાના ભાઈને મારી નાખીશું એવી આરોપીઓએ ધમકી આપેલી હતી. આરોપીઓ કૌટુંબિક સગા હોય અને આસપાસમાં જ રહેતા હોય, રાત્રિ દરમિયાન સગીરાના ઘરે ધાબા પરથી આવતા અને જે પછી અવારનવાર એ જ રીતે દુષ્કર્મ આચરતા હતા. એવામાં સગીરા ગર્ભવતી થતાં પરિવારજનોને જાણ થઈ હતી.

બાળકનો જન્મ થયા બાદ બાળકને વેચી મામલો રફેદફે કર્યો હતો
આ મામલે સગીરાના પિતાએ તેમના કૌટુંબીક કાકાનો સંપર્ક કરતા તેઓએ પુરાવાનો નાશ કરવા સગીરાના પરિવારને જસદણમાં શ્રીજી ક્લિનિક ધરાવતા તબીબ પાસેથી લઈ ગયા હતાં અને ત્યાં બાળકનો જન્મ થયા બાદ બાળકને કમળાપુર ગામે વેચી મામલો રફેદફે કરવા જતાં સગીરાના માતા-પિતાએ તુરંત પોલીસનો સંપર્ક કરતા કાકા-ભત્રીજા અને તબીબને સકંજામાં લઈ પોક્સો, દુષ્કર્મ, પુરાવાનો નાશ કરવો અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.

ડોક્ટર પર બાળક વેચવાનો આક્ષેપ
સાડાઆઠ મહિને સગીરાને પ્રસૂતિની પીડા ઊપડતાં કમળાપુરના શ્રીજી ક્લિનિક નામના દવાખાનમાં ખસેડવામાં આવી હતી. પોણાબે મહિના પહેલાં અહીં ફક્ત 13 વર્ષની દીકરીએ પુત્રને જન્મ આપ્યો હતો. આ તરફ આરોપીઓ પણ કુટુંબના જ હોવાથી સગીરાનાં પરિવારજનો અને કુટુંબના લોકોએ સમાજમાં બદનામી થશે એવા ડરે વાતને દબાવી દીધી હતી. શ્રીજી ક્લિનિકના ડો.ઘનશ્યામ રાદડિયાને નવજાત શિશુ આપી દેવામાં આવ્યું હતું. ડોક્ટરે આ શિશુ કોઈને વેચી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ત્રણેય આરોપીને ગામ છોડીને જવાની સજા
આ તરફ સમાધાન એવું થયું કે દુષ્કર્મ આચરનાર ત્રણેય આરોપીને ગામ છોડીને જતું રહેવાનું. ક્યારેય ગામમાં દેખાવાનું નહીં. આ પછી આરોપીઓ ગામ મૂકીને અન્ય જગ્યાએ ચાલ્યા ગયા હતા. જોકે થોડા દિવસ પહેલા પરત ગામમાં આવી આ આરોપીઓ ફરી સગીરાના ઘર સામે ઊભા હતા ત્યારે સગીરાના પિતા સહિતના ઘરના સભ્યો જોઈ જતાં માથાકૂટ થઈ હતી અને સગીરાના પિતાએ ફરિયાદ નોંધવવા નક્કી કર્યું હતું.

ડો. રાદડિયાએ સગીરા સગર્ભા હોવાની પોલીસને જાણ ન કરી
જસદણ પંથકની 13 વર્ષની સગીરાને આંઠ મહિનાનું ગર્ભ હોવાનું ખુલતા તેમણે કૌટુંબીક મુકેશે તેમના માતા-પિતાને જણાવી ડિલેવરી માટે ડો. રાદડિયા પાસે શ્રીજી ક્લિનિકમાં લઈ ગયા હતાં. સામાન્ય રીતે કોઈ 18 વર્ષથી ઓછી ઉમરની સગીરા ગર્ભવતી હોય ત્યારે તબીબ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે અને એમ.એલ.સી. નોંધવામાં આવે છે. ત્યારે આ ઘટનામાં ડો. રાદડિયાએ સગીરા સગર્ભા હોવાનું જાણવા છતાં બનાવ છુપાવી અને સગીરાની પ્રસૃતિ કરાવી હતી. તેમજ જે બાળકને જન્મ આપ્યો તે બાળક કમળાપુર ગામે વેચી નાખ્યું હતું. આ ઘટનાને લઈ ડો. રાદડિયાને પણ આરોપી બનાવાયા છે તેમણે પુરાવાનો નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.