આજે રાજકોટ સજ્જડબમ બંધ; ગેમ ઝોન અગ્નિકાંડને એક મહિનો પૂરો

Rajkot Bandh: રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં તા.25-05-2024 ના સર્જાયેલા માનવસર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા 27થી વધુ લોકોને માસિક પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ, મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે કોંગ્રેસે આજે મંગળવારે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના(Rajkot Bandh) કાર્યકર્તાઓ દુકાનદારો પાસે જઇને બંધ પાડવાની અપીલ કરી રહ્યા છે. આ સાથએ પીડિત પરિવારો પણ બંધમાં જોડાવવાની અપીલ કરી રહ્યા છે. જેના પગલે લોકો તેને અનુસરી રહ્યા છે.

શહેરની મોટાભાગની શાળા અને કોલેજો બંધમાં જોડાઇ
રાજકોટમાં અગ્નિકાંડની આ ઘટનાને 25મી જૂને એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ છે. કોંગ્રેસે શહેરના તમામ વેપારીઓ અને ધંધાર્થીઓને બંધનું સમર્થન કરી ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરી છે. કોંગ્રેસ આ મુદ્દાને સંસદમાં પણ ઉઠાવવાની તૈયારી કરી લીધી છે. ખુદ રાહુલ ગાંધીએ અગ્નિકાંડના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી તેમને ન્યાય અપાવવા આશ્વાસન આપ્યુ હતુ. ત્યારે શહેરની બજારમાં આવેલી દુકાનોએ હાલ બંધ રાખ્યો છે. શહેરની મોટાભાગની શાળા અને કોલેજો બંધમાં જોડાઇ છે. આ સાથે વિવિધ વેપારી એસોસિએશન દ્વારા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

શક્તિસિંહે અપીલ કરી
આ અંગે શક્તિસિંહે કહ્યુ અમારી ટીમો બજારમાં નીકળશે, તોડફોડ કે વિરોધ નહીં કરે. અમે વેપારીઓ અને નાગરિકોને હાથ જોડીને બંધ પાળવા અપીલ કરીશુ. જો કે, સાથે એવી અપીલ પણ કરી કે, જે વેપારી અડધો દિવસ બંધ ન રાખે, તેનો વીડિયો બનાવજો. બંધ ન પાળનારા પાસેથી ખરીદી કરવાનું ટાળજો.

પોલીસકર્મીએ વેપારીઓની યાદી માંગી
બંધ પૂર્વે પોલીસ કર્મચારી એક વેપારી આગેવાનને ફોન કરીને તમામ વેપારીઓના નામ, સરનામા, નંબર સાથેની યાદી આપો તેમ કહેતા હોવાનો ઓડિયો વાયરલ થતા વિવાદ જાગ્યો હતો. ઓડિયોમાં પોલીસકર્મી વેપારીઓને ધરાર! બંધ કરાવવા કોંગ્રેસ પ્રયાસ નથી કરતી તે કન્ફર્મ કરવા આ યાદી મંગાઈ રહ્યાનું જણાવે છે, ત્યારે વેપારી અમને કોઈએ કશુ દબાણ કર્યું નથી તેમ જણાવે છે. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ ધસી ગયા હતા અને રજૂઆત કરી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
આ બંધને પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બન તે માટે આજે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપને જણાવીએ કે, આ ગોઝારા કેસમાં શનિવારે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડેપ્યૂટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા તેમજ વેલ્ડિંગ કામના સુપરવાઈઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.

NSUI અને યુથ કોંગ્રેસની અલગ અલગ ટીમો બંધ કરાવવા પહોંચી
જે શાળાઓ કોલેજ ચાલુ છે તેને NSUI અને યુથ કોંગ્રેસની અલગ અલગ ટીમો બંધ કરાવવા પહોંચી રહી છે. હાથ જોડી અડધો દિવસ બંધ પાળવા અપીલ કરવામાં આવી રહી છે. રાજકોટના કાલાવડ રોડ પર માતૃ મંદિર ગ્રાન્ટેડ સ્કૂલ ચાલુ હતી તેને બંધ કરાવવામાં આવી હતી. ક્લાસમાં અભ્યાસ કરતા બાળકોને અને પ્રિન્સિપાલને વિનંતી કરી સ્કૂલ બંધ કરાવવામાં આવી હતી.

બીજીવાર આવી દુર્ઘટના સર્જાઈ તો નવાઈ નહીં…
આ અગ્નિકાંડમાં જવાબદાર લોકો સામે પગલાં ભરવામાં આવ્યા છે. પરંતુ અહીંયા જે અધિકારીઓના આશીર્વાદથી આજે કેટલાય લોકોના ઘરના દિપક બુજાય છે તે હજુ પણ બિન્દાસ ફરી રહ્યા છે. તેની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. જેના પરથી એવું સાબિત થાય છે કે, મોટી માછળીઓ બચી ગઈ. એટલે ભગવાન નો કરે બીજીવાર પણ આવી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહિ. કારણકે જવાબદાર અધિકારીઓ સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી જ નથી.