સાયબર દુનિયાનો ‘સર્વજ્ઞ’: રાજકોટના 21 વર્ષીય યુવકે કર્યું એવું કામ કે WHO, NASA ગદગદ થયું

Rajkot Sarvagya Achievement: રાજકોટના એક 21 વર્ષના યુવાન, સર્વજ્ઞ પાઠકે, અમેરિકાના સાયબર સિક્યોરિટી ક્ષેત્રે એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરીને ગુજરાત (Rajkot Sarvagya Achievement) અને ભારતનું નામ રોશન કર્યું છે. સર્વજ્ઞએ નાસા, WHO, અને અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટાન્ડર્ડ એન્ડ ટેક્નોલોજી (NIST) જેવી અગ્રણી સંસ્થાઓની વેબસાઇટ્સમાંથી બગ્સ (કોડિંગ ભૂલો) શોધી કાઢીને દુનિયાભરમાં પોતાની કુશળતા સાબિત કરી છે. આ યુવાને નાની ઉંમરમાં જ નાસાના હોલ ઓફ ફેમમાં પોતાનું નામ નોંધાવ્યું છે, જે તેના પરિવાર, રાજકોટ, ગુજરાત અને સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે.

બગ શોધવાની તેની અનોખી રીતથી NIST પ્રભાવિત થયું
સર્વજ્ઞ પાઠકે અમેરિકાની સાયબર સિક્યોરિટી સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટાન્ડર્ડ એન્ડ ટેક્નોલોજી (NIST)ની વેબસાઇટમાં એક બગ શોધી કાઢ્યો, જે એક કોડિંગ દરમિયાન થયેલી નાની ભૂલ હતી. આ બગ શોધવાની તેની અનોખી રીતથી NIST પ્રભાવિત થયું અને તેમણે આ બગને સર્વજ્ઞ પાઠકના નામે “ડિસ્કવર” તરીકે રજિસ્ટર કર્યું. આ ઉપરાંત, સર્વજ્ઞને નાસા તરફથી એક ઇ-મેઇલ પ્રાપ્ત થયો, જેમાં લખ્યું હતું, “મિસ્ટર સર્વજ્ઞ પાઠક, તમે નાસાની વેબસાઇટમાંથી જે બગ શોધીને અમને જાણ કરી છે, તે બદલ તમારું નામ નાસાના હોલ ઓફ ફેમમાં નોંધવામાં આવે છે.” આ સિદ્ધિએ સર્વજ્ઞને અમેરિકાના સાયબર વર્લ્ડમાં એક ચમકતા તારા તરીકે સ્થાપિત કર્યો છે.

સાયબર વર્લ્ડમાં કાયમ માટે નામ અંકિત થયું
સર્વજ્ઞ હાલમાં અમેરિકા સરકાર હેઠળની એક સાયબર સિક્યોરિટી સંસ્થામાં કામ કરે છે, જ્યાં તે આખા અમેરિકાના સાયબર સ્ટ્રક્ચરને મોનિટર કરે છે. તેણે WHO, અમેરિકાની એજ્યુકેશન મિનિસ્ટ્રી અને અન્ય દેશોની વેબસાઇટ્સમાંથી પણ બગ્સ શોધીને અનેક સર્ટિફિકેટ્સ મેળવ્યા છે.

આ બગ શોધવાની પ્રક્રિયા એટલી અનોખી હતી કે NISTએ નોંધ્યું કે આ પ્રકારનું બગ અગાઉ કોઈએ શોધ્યું નથી. આ સિદ્ધિના કારણે સર્વજ્ઞનું નામ અમેરિકાના સાયબર વર્લ્ડમાં કાયમ માટે અંકિત થઈ ગયું છે.

સર્વજ્ઞની આ સફળતા પાછળ તેની શૈક્ષણિક સફર અને અથાક મહેનતનો મોટો ફાળો છે. તેણે ધોરણ 10 સુધી રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો, અને ધોરણ 11-12 રાજકોટની ઉત્કર્ષ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. ત્યારબાદ, ગાંધીનગરની ધીરૂભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (DA-IICT)માંથી ICT (ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી)માં બી.ટેકની ડિગ્રી મેળવી. આ દરમિયાન, તેણે DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન)માં ઇન્ટર્નશિપ પણ કરી, જેનાથી તેની સાયબર સિક્યોરિટીની કુશળતા વધુ નિખરી.