અમદાવાદ(ગુજરાત): નાનાથી લઈને મોટા દરેકને મનગમતો તહેવાર એટલે નવરાત્રી(Navratri 2021). નવરાત્રી એટલે માં શક્તિના નવ દિવસ આરાધના અને પૂજા કરવાના દિવસો. આ વર્ષે 7 ઓક્ટોબરથી નવરાત્રી (Navratri starts from 7th October) શરૂ થશે. 9 દિવસ ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, આ વખતે ગરબાની (Garba) મંજૂરી મળતા ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Coronavirus) ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા નવરાત્રી માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
આ ગાઇડલાઇનનું પાલન ખેલૈયાઓ અને સંચાલકોને ફરજિયાતપણે કરવાનું રહેશે. તો આવતીકાલથી શરૂ થતી આ નવરાત્રી માટે પહેલા આ ગાઇડલાઇનને બરાબર વાંચી લો નહીં તો, ગરબા રમ્યા વગર જ પાછું ઘરે આવવું પડશે.
ખેલૈયાઓ માટે બે ડોઝ ફરજીયાત
સરકાર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે કે, ‘ગરબા ઉજવણીમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઈએ.’ આ સાથે વ્યવસાયિકો ઉપરાંત કર્મચારીઓ માટે વેકસીનનો પ્રથમ ડોઝ ફરજિયાત છે. જાહેરનામા અનુસાર, આ હુકમનો ભંગ કરનારને ધ એપીડેમીક ડિસિસ એક્ટ 1897 અન્વયે ધ ગુજરાત એપીડેમીક ડિસિસ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ તથા ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
12 વાગ્યા સુધી થશે શેરી ગરબા
જણાવી દઈએ કે, સમગ્ર રાજ્યમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, ફલેટ, સોસાયટીઓમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે. આ સાથે પાર્ટીપ્લોટ, કલબ, ખુલ્લી જગ્યા કે અન્ય કોઈપણ જગ્યાએ જ્યાં કોમર્શિયલ ગરબાનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી નથી.
રાતે 12 વાગ્યા સુધી હોમડિલીવરી થઇ શકશે
આ ઉપરાંત, નવરાત્રિ દરમિયાન લારી-ગલ્લા, શોપિંગ મોલ, કોમ્પલેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ-હોટલ રાત્રીના દસ વાગ્યા સુધી જ ચાલુ રહી શકશે. તેમજ રેસ્ટોરન્ટમાં પણ રાત્રિના 12 વાગ્યા સુધી જ હોમ ડિલિવરી કરી શકાશે.