એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, PM ઈન્ટર્નશિપ સ્કીમ 2024 માટે નોંધણીની થઇ શરૂઆત

PM Internship Scheme: કેન્દ્ર સરકારે યુવાનોને રોજગારી માટે લાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાયલોટ પ્રોજેક્ટ ધોરણે પીએમ ઈન્ટર્નશીપ યોજના શરૂ કરી છે. આ માટે રજીસ્ટ્રેશન વિન્ડો 12 ઓક્ટોબરથી ખુલી ગઇ છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પીએમ (PM Internship Scheme) ઈન્ટર્નશિપ સ્કીમ pminternship.mca.gov.in ની અધિકૃત વેબસાઈટ પરથી નોંધણી કરાવી શકે છે. આ યોજના હેઠળ યુવાનોને દેશની ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક મળશે. ઇન્ટર્નશિપ કરનાર ઉમેદવારને સરકાર અને કંપની તરફથી દર મહિને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, ઇન્ટર્નને ઇન્સ્યુરન્સ કવર અને ઇન્ટર્નશિપ પૂર્ણ થવા પર એક વખત 6000 રૂપિયાની સહાય પણ મળશે.

પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ શું છે?
પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS) એ ભારત સરકારની એક પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનો છે. આ યોજના યુવાનોને વ્યાવસાયિક માહોલનો પરિચય કરાવે છે, જેનાથી મૂલ્યવાન કૌશલ્યો અને કાર્ય અનુભવ પ્રાપ્ત થાય છે. પીએમ ઇન્ટર્નશિપ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય શૈક્ષણિક શિક્ષણ અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે અને શિક્ષિત યુવાનોને આઈટી, બેન્કિંગ, તેલ, ગેસ, એફએમસીજી, પ્રોડક્શન અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં 500 અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપ પ્રદાન કરવાનો અને તકો પૂરી પાડવાનો છે. ઇન્ટર્નશિપનો સમયગાળો 12 મહિનાનો છે, જેમાંથી ઓછામાં ઓછા 6 મહિના વાસ્તવિક કાર્ય અનુભવમાં વિતાવવો ફરજિયાત છે.

પીએમ ઈન્ટર્નશિપ કોણ કરી શકે છે?
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમનો ઉદ્દેશ્ય માત્ર યુવાનોને વ્યાવસાયિક અનુભવ પ્રદાન કરવાનો નથી, પરંતુ ભવિષ્યમાં રોજગાર મેળવવા માટે તૈયાર કરવાનો પણ છે. ઈન્ટર્નશીપ પછી નોકરીની કોઈ ગેરેંટી હોતી નથી, પરંતુ અનુભવ અને નેટવર્કિંગ થી કરિયર નોકરીની સંભાવના વધી જાય છે. પીએમ ઈન્ટર્નશીપ યોજના હેઠળ ઈન્ટર્નશીપ માટે પસંદ કરાયેલા યુવાનોને માસિક 5000 રૂપિયાની નાણાકીય સહાય મળશે. ઇન્ટર્નશીપ પૂર્ણ થવા પર ઇન્ટર્નને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. આ ઉપરાંત, ભારત સરકાર દરેક ઈન્ટર્નને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા કવચ પ્રદાન કરશે.

પીએમ ઈન્ટર્નશીપ યોજનાનો લાભ મેળવવાની લાયકત
પ્રાઈમ મિનિસ્ટર ઈન્ટર્નશિપ સ્કીમ (PMIS) માટે યોગ્યતાના માપદંડ નીચે મુજબ છે.
નાગરિકતા : અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે.
વય મર્યાદા : અરજદારની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ (અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ મુજબ).
શૈક્ષણિક લાયકાત : અરજદારે ધોરણ 10, 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. અરજદાર પાસે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), પોલિટેકનિક ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએટ ડિગ્રી (જેમ કે BA, BSc, BCom, BCA, BBA, BPharma)નું પ્રમાણપત્ર હોવું જોઈએ.
રોજગાર/શિક્ષણ: અરજદારોએ પૂર્ણ-સમયની નોકરી કરવી જોઈએ નહીં અથવા પૂર્ણ-સમયના શિક્ષણમાં રોકાયેલા હોવા જોઈએ નહીં. ઑનલાઇન અથવા ડિસ્ટન્ટ એજ્યુકેશન પ્રોગ્રામમાં નોંધાયેલા ઉમેદવારો પણ પાત્ર છે.

પીએમ ઈન્ટર્નશીપ યોજનાનો લાભ કોણ નહીં લઇ શકે?
આંતરરાષ્ટ્રીય ઉમેદવારો : આંતરરાષ્ટ્રીય ઉમેદવારો આ યોજના માટે અરજી કરી શકતા નથી.
જે ઉમેદવારો એ આઈઆઈટી, IIM, રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓ અથવા ઉચ્ચ લાયકાત જેમ કે CA, CS, MBA જેવી ડિગ્રીઓ ધરાવે છે તેવા ઉમેદવારો પાત્ર નથી.
જો પરિવારનો કોઈ સભ્ય સરકારી કર્મચારી હોય અથવા પરિવારની આવક રૂ. 8 લાખથી વધુ હોય તેવા ઉમેદવારો પણ પાત્ર ગણાશે નહીં.
ગુજરાતમાં 9311 યુવાનોને પીએમ પીએમ ઈન્ટર્નશીપ યોજનાનો લાભ મળશે
કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના સોશિયલ મીડિય એકાઉન્ટ X પર એક પોસ્ટમાં જણાવ્યા અનુસાર હાલ દેશભરમાં 737 જિલ્લામાં પીએમ ઈન્ટર્નશીપ યોજનાનો લાભ મળશે. જેમા મહારાષ્ટ્રમાં 10242, તમિલનાડુમાં 9827, ગુજરાતમાં 9311, કર્ણાટકમાં 8326 અને ઉત્તર પ્રદેશમાં 7156 યુવાનોને પીએમ ઈન્ટર્નશીપ યોજનાનો લાભ મળશે.

પીએમ ઈન્ટર્નશીપ યોજના માટે એપ્લિકેશન કરવાની પ્રક્રિયા
ઉમેદવારોએ આ માપદંડોને પૂર્ણ કર્યા પછી અરજી કરવી આવશ્યક છે. પીએમ ઈન્ટર્નશીપ યોજના વિવિધ ક્ષેત્રોમાં યુવાનોને ઇન્ટર્નશીપની તકો પૂરી પાડે છે, તેમને વ્યાવસાયિક અનુભવ અને કૌશલ્ય વિકસાવવાની તક આપે છે. આમ, PMIS નો ઉદ્દેશ્ય યુવા પ્રતિભાઓને ઉદ્યોગોમાં જોડવાનો અને તેમને કામનો અનુભવ પ્રદાન કરવાનો છે.

પીએમ ઈન્ટર્નશીપ સ્કીમ માટે આ રીતે રજિસ્ટ્રેશન કરો
પીએમ ઈન્ટર્નશીપ યોજના માટે ઈન્ટર્નશીપ વિન્ડો ખુલી ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો PM ઈન્ટર્નશિપ સ્કીમ pminternship.mca.gov.in ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે.
આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરતી વખતે ઉમેદવારોએ તેમના આધાર અને મોબાઇલ નંબરની વિગતો આપવી પડશે. તે પછી તમારે પ્રોફાઇલ બનાવવી પડશે.
આ સમયગાળા દરમિયાન, ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઈમેલ અને મોબાઈલ નંબર પર ઈન્ટર્નશીપની તકો વિશે માહિતી મળશે.
રજિસ્ટર્ડ ઉમેદવારો પાસે તેમની પસંદગી મુજબ ઇન્ટર્નશિપની તકો પસંદ કરવાનો વિકલ્પ હશે.
રજિસ્ટ્રેશન અને અરજી કરવા માટે કોઈ ફી નથી.

ચાલુ વર્ષે 1.25 લાખ ઇન્ટર્નશિપ તકો પુરી પાડવાની લક્ષ્ય
આ મહિનાની શરૂઆતમાં, સરકારી સૂત્રોને ટાંકીને માહિતી બહાર આવી હતી કે ચાલુ નાણાકીય વર્ષમાં 1.25 લાખ ઇન્ટર્નશિપ તકો પ્રદાન કરવાની યોજના છે, જેની પાછળ 800 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. પીએમ ઈન્ટર્નશિપ પોર્ટલ આ મહિને 3 ઓક્ટોબરે કંપનીઓ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. પોર્ટલ લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં લગભગ 91,000 ઇન્ટર્નશિપ તકો સંબંધિત માહિતી સામે આવી છે, જેને 193 કંપનીઓ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.