Relief package for farmers to Cyclone Biparjoy: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠેકમાં રાજ્યમાં તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 240 કરોડનું ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કરાયું છે.
આ પેકેજની વિસ્તૃત વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં ચાલુ વર્ષે જૂન માસમાં ત્રાટકેલા “બિપરજોય” વાવાઝોડાના કારણે કૃષિ તેમજ બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયેલ છે.જેમાં મુખ્યત્વે કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અસર થઈ છે.કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અંદાજીત 1 લાખ 30 હજાર હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઇ છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં ફળઝાડ પડી જવાથી આંશિક કે સંપૂર્ણ નાશ પામ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, વાવઝોડાથી અસરગ્રસ્ત આ જીલ્લાઓમાં કુલ 311 ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ વાવાઝોડાથી મહત્તમ અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓનાં ખેડુતોને મદદરૂપ થવા અંદાજિત રૂપિયા 240 કરોડની માતબર રકમનું વાવાઝોડુ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે. તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી દ્વારા ખાસ સહાનુભુતિ અને ઉદારતા રાખી આ પેકેજમાં સૌપ્રથમ વખત સહાયના ધોરણોમાં ધરખમ વધારો કરવાનો ખેડુતહિતલક્ષી નિર્ણય કર્યો છે.
મંત્રી એ કહ્યુ કે, બાગાયતી પાકો-ફળઝાડ પડી જવાથી નુકશાનીમાં સહાયરૂપ થવા માટે સૌપ્રથમ વખત રાજય સરકારે ઉદાર નીતિ દાખવી બહુવર્ષાયુ બાગાયતી પાકોના 10% કે તેથી વધુ અને 33 ટકા સુધીના ઝાડ ઉખડી જવાના,પડી જઇ, ભાંગી જઇ નાશ પામેલ હોય તે અન્વયે ખાસ કિસ્સામાં પણ રાજય ભંડોળમાંથી રૂપિયા 2500/- પ્રતિ હેકટર સહાય જાહેર કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે,બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જઇ, ભાંગી જઇ નાશ પામેલ હોય તે કીસ્સામાં SDRF ના નોર્મ્સ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂપિયા 22500 ની સહાય ઉપરાંત ખાસ કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂપિયા 102500/- ગણતરીમાં લઈ કુલ રૂપિયા 12500/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય જાહેર કરેલ છે. સહાયની રકમમાં SDRF ઉપરાંતનો અત્યાર સુધીનો આ સર્વોચ્ચ વધારો છે. આ સહાય ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
મંત્રી એ કહ્યુ કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પાક નુકસાની સર્વેમાં ૩૩% કે તેથી વધુ નુકસાન માલુમ પડેલ હોય તેમજ બાગાયતી ફળઝાડ ઉખડી જવાના કિસ્સામાં 10% કે તેથી વધુ નુકસાન માલુમ તેવા સર્વે નંબરવાળા ખેડૂત ખાતેદાર કે જેમનો ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા ખેડૂત ખાતેદારોને જ આ સહાય પેકેજનો લાભ મળશે.
ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડૂત ખાતેદારોને આ પેકેજનો લાભ લેવા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારી ને કરવાની રહેશે. તાલુકા કક્ષાએ ગામ વાઇઝ સર્વેની યાદી વિસ્તરણ અધિકારી(ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી (ખેતી) જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ બાગાયત નિયામકનો સંપર્ક કરવાનો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube