ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંતનો કાર અકસ્માત થયો છે. 30 ડિસેમ્બરની વહેલી સવારે ઉત્તરાખંડમાં રૂરકી જતી વખતે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. હવે અકસ્માત બાદ પહેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં રિષભ પંત ગંભીર રીતે ઘાયલ જોવા મળી રહ્યો છે અને કારમાં આગ લાગી છે. આ સાથે, એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કાર ડિવાઈડર સાથે કેવી રીતે અથડાઈ.
જ્યારે રિષભ પંતનો અકસ્માત થયો ત્યારે કારમાં ભીષણ આગ લાગી હતી, આવી સ્થિતિમાં તેણે તરત જ કારમાંથી બહાર આવવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ, રિષભ પંત વિન્ડ સ્ક્રીન તોડીને કારમાંથી બહાર નીકળ્યો હતો. અકસ્માત સમયે હાજર સ્થાનિક લોકોએ તરત જ પંતને કારમાંથી બહાર કાઢ્યો હતો અને અકસ્માત બાદ તરત જ તેને 108ની મદદથી રૂરકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો, મળતી માહિતી મુજબ તે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. અકસ્માત થયો ત્યારે રિષભ કાર ચલાવી રહ્યો હતો. દુર્ઘટના બાદ રિષભે કહ્યું છે કે તેને નિદ્રા આવી હતી, જે દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.
ઋષભ પંતને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને દેહરાદૂન રેફર કરવામાં આવ્યો હતો. રિષભ પંતને પણ ટૂંક સમયમાં દિલ્હી લાવવામાં આવી શકે છે. તેને માથામાં, પીઠમાં ગંભીર ઈજાઓ થઈ છે અને વાહન સંપૂર્ણ રીતે ખાખ થઈ ગયું છે. બીસીસીઆઈ દ્વારા રિષભ પંતની સારવાર પર પણ નજર રાખવામાં આવી રહી છે.
રિષભ પંત મૂળ ઉત્તરાખંડનો છે, પરંતુ હવે તે દિલ્હી શિફ્ટ થઈ ગયો છે. ઋષભ પંત માત્ર દિલ્હી તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો છે અને હવે તે ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી છે. રિષભ પંતને ભવિષ્યનો લીડર પણ કહેવામાં આવે છે, તે ટીમનો વાઇસ કેપ્ટન રહી ચૂક્યો છે અને કેટલીક મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે.
તમને જણાવી દઈએ કે પંતને શ્રીલંકા સામેની આગામી શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો છે કારણ કે તેને ફેબ્રુઆરીમાં યોજાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા એક કાર્યક્રમ માટે NCA સાથે જોડાવાનો હતો. તેણે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.
DDCA સેક્રેટરી સિદ્ધાર્થ સાહિબ સિંહે એક નિવેદનમાં કહ્યું, “અમે બધા ચિંતિત છીએ, પરંતુ સદનસીબે તેમની હાલત સ્થિર છે. અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ. પંતે અત્યાર સુધી 33 ટેસ્ટમાં પાંચ સદી અને 11 અડધી સદીની મદદથી 2,271 રન બનાવ્યા છે. તેણે 30 વનડે અને 66 ટી-ટ્વેન્ટીમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.